નહિ ઘરના, નહિ ઘાટના જેવી સ્થિતિ:વાંકાનેરના ઓ. જી. વિસ્તારની સોસાયટીઓમાં લોકો રસ્તા, પાણી, ગટર જેવી સુવિધાથી વંચિત

વાંકાનેર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટરને રજૂઆત

વાંકાનેર તળપદમાં નગરપાલિકાને લાગુ ઓ.જી. વિસ્તારની સોસાયટીઓના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાને લીધે તેમની પ્રાથમિક જરૂરીયાતો પૂર્ણ કરવા કોંગ્રેસના આગેવાને જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. હાલ આ તળપદમાં રહેણાક કરતા લોકોને આવકના દાખલા, જન્મ મરણના દાખલા કે અન્ય સરકારી કામકાજ માટે પાલિકા કે ગ્રામ પંચાયત દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવતી નથી તેમજ આ લોકો હાલ રોડ, લાઇટ તથા પાણી જેવી પાયાની તથા પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે તેમ જણાવી આગેવાન ઇરફાન પીરઝાદાએ કલેક્ટરને આ મુદે જલદી ઉકેલ લાવવા માગ કરી છે.

આશીયાના સોસાયટી, પરવેઝ પાર્ક, અમન પાર્ક, ગુલાબનગર, મિલેનીયમનગર, એકતા સોસાયટી વાંકાનેર નગરપાલિકા હદમાં આવેલ છે. આ તમામ સોસાયટી વાંકાનેરના તળપદ વિસ્તારની બિનખેતી રહેણાક સોસાયટીઓ છે. આ સોસાયટીના રહીશોને જન્મ મરણ નોંધણી, લગ્ન રજીસ્ટ્રેશન, મકાન બાંધકામ પરવાનગી, આવક તેમજ જાતિના દાખલા જેવી જરૂરીયાતની સુવિધાઓ માટે કોઈ સરકારી કચેરી જવાબદારી સ્વીકારતી નથી. પરિણામે આવા જરૂરી સરકારી દસ્તાવેજો મેળવવાથી આ વિસ્તારના રહીશો આમથી તેમ ધક્કા ખાય છે અને પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે.

મોટાભાગે આ વિસ્તારોમાં બક્ષીપંચ અને લઘુમતિના લોકો વસવાટ કરે છે. ઉપરોકત સોસાયટીમાંથી મચ્છુ-1થી નગરપાલિકા સંપ સુધી જતી પાણીની લાઈનો પસાર થતી હોવા છતાં સોસાયટીના રહીશો પાણીથી વંચિત છે . આ બાબતે તંત્રને અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ છે, છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે આ સંબંધે તપાસ કરાવી પ્રાથમિક જરૂરીયાત જેવી કે રસ્તા, પાણી, ગટર, લાઈટ વગેરે સુવિધા મળે તે માટે યોગ્ય કરવામાં આવે તેવી માગણી દોહરાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...