વાંકાનેરમાં ખાનગી હોસ્પિટલ પાસે માથાભારે ઇસમે દબાણ કરી પ્લોટ ઉપર છાપરા નાખી ભંગારનો ડેલો બનાવી દેતાં તંત્ર દ્વારા લેન્ડગ્રેબિંગનું હથિયાર ઉગામ્યું હતું અને પિતા પુત્રને પોલીસ કસ્ટડીમાં ધકેલી દેવાયા હતા. વાંકાનેરમાં તમામ પ્રકારની અનધિકૃત પ્રવૃતિઓએ હદ વટાવી દીધી છે જેમાં દારૂ , જુગાર, ખનિજ ચોરી , રેતી ચોરી , ટ્રાફિકના નિયમોનું ઉલંઘન ,ઘરફોડ ચોરીઓ વગેરે સામાન્ય બની ગયું છે ત્યારે હવે તો કોઈનો ખુલ્લો પડેલો પ્લોટ હોય, ખેતીની જમીન હોય જાણે કાયદો ખિસ્સામાં લઈ ફરતા હોય અને કાયદાના રખેવાળનું અસ્તિત્વ જ ન હોય તેમ માથાભારે શખ્સ રેઢી જમીન જોતાં જ કબ્જો કરી લેતા હોય છે, ત્યારે વાંકાનેર શહેરમાં સરકારે કર્મચારીઓને ફાળવેલી જમીન ઉપર પિતા -પુત્રોએ મળી કબ્જો જમાવી ભંગાર અને લીલો ઘાસચારો વેચવાનું શરૂ કરી દેતા આ મામલે પ્લોટ માલિક નિવૃત મામલતદાર અને નાયબ મામલતદારે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
જેમાં એક કર્મચારીની નહિ પરંતુ બે કર્મચારીની એક સાથે જમીન પર કબ્જો જમાવ્યો છે જેમાં પ્રથમ બનાવમાં વાંકાનેર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હર્ષદકુમાર મણીલાલ પરમારના પિતાને જિલ્લા કલેકટર દ્વારા વાંકાનેરમાં ડો.દેલવાડીયાના દવાખાના નજીક રહેણાંક હેતુ માટે 200 ચોરસ વાર જમીન ફાળવી હતી જે જમીન ઉપર કાદરભાઈ અબુભાઈ કાસવાણી અને તેના પુત્ર શાહરૂખ કાદરભાઈ કાસવાણી રહે.બંન્ને વાંકાનેર ખડીપરા નવાપરા શેરી નંબર -૨ વાળાએ કબ્જો કરી લઈ ભંગાર નાખી ઘાસચારો વેચવાનું શરૂ કરી પ્લોટ ખાલી નહીં થાય તેવું જણાવતા હર્ષદભાઈ પરમારે લેન્ડગ્રેબિંગ એક્ટ અન્વયે પગલાં ભરવા અરજી કરતા પોલીસે બન્ને પિતા,પુત્ર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ મુજબ ગુન્હો નોંધ્યો છે.
જયારે બીજા કિસ્સામાં વાંકાનેરના નિવૃત મામલતદાર લલીતકુમાર જીવણભાઈ પુજારાની માલીકીનો 200 ચોરસવારનો સરકાર દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટ કાદરભાઈ અબુભાઈ કાસવાણીએ પચાવી પાડતા નિવૃત મામલતદાર લલીતકુમાર જીવણભાઈ પુજારાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે પગલાં ભરવા અરજી કરતા પોલીસે બન્ને પિતાપુત્ર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) કાયદોની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
એપ્રિલમાં લેન્ડ ગ્રેબિંગના 4 ગુના નોંધાયા
જ્યાં સરકારી અધિકારીઓની જમીન પણ સલામત નથી, તો ખાનગી માલિકીની જમીનનું શું થતું હશે તે મુદો વિચારવા જેવો તો ખરો જ.વાંકાનેર તાલુકામાં જ લેન્ડ ગ્રેબિંગના એપ્રિલ માસમાં જ ચાર કેસ નોંધાયા હતા, જેમાં ચારેય ગુનાના આરોપીઓ ઝડપાઇ ગયા છે, ત્રણ જગ્યા તો ખુલ્લી પણ કરાવી દેવાઇ છે અને એક જગ્યા પર હજુ દબાણ યથાવત હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.