પર્યુષણનું સમાપન:વાંકાનેરમાં પરંપરાગત જળયાત્રાનો ચાંદીના રથમાં મહાવીર ભગવાનનો વરઘોડો નીકળ્યો

વાંકાનેર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૈન દેરાસરથી શણગારેલા વાહનો સાથે નીકળેલો રથ શહેરમાં ત્રણ કલાક ફર્યા બાદ પોંખણા કરાયા

વાંકાનેરમાં પર્યુષણ પૂર્ણ થતાં શહેરના જૈન દેરાસરથી ચાંદીના રથમાં પરંપરાગત જળયાત્રાનો ભગવાન વરઘોડો નીકળ્યો હતો અને શણગારેલા વાહનોમાં માતાને આવેલા 14 સ્વપ્નો લઇ આ રથ ત્રણ કલાક શહેરમાં ફર્યો હતો અને બાદમાં દેરાસર પહોંચતાં ભગવાનના પોંખણા કરાયા હતા.

પર્યુષણ પૂરા થતાં વાંકાનેર જૈન દેરાસરથી શરૂ થયેલો જૈનોનો પરંપરાગત જળજાત્રાનો વરધોડો ચાંદીના રથમાં ભગવાનને બિરાજમાન કરી , ચાંદીના પારણા , જલમંદિર , મેરૂ , રામણદિવડો , છડી - ધોકા સાથે શણગારેલા વાહનોમાં ચાંદીના ૧૪ સ્વપ્ના લઇ સ્નાત્રપૂજા ભણાવી વાંકાનેર શહેરમાં ૩ કલાક ફરી દેરાસરજી પહોંચ્યો હતો . જયાં ભગવાનને પાંચ પોખણાં કરાયા હતા . પર્વાધિરાજ પર્યુષણના આઠ દિવસ કરેલી ધાર્મિક ક્રિયાઓ માત્ર ક્રિયા જ ન રહે અને આત્મિક સુખ માટે આપણો માર્ગ પ્રશસ્ત થઇ ક્રમિક વિકાસ સાથે મોક્ષ કર્મના બંધમાં પરિણમે એ રીતે સૌ શ્રાવિકો શ્રાવિકાઓ પોતાના દ્રઢનિશ્ચયથી જીવન જીવે એવી દર્દભરી અપીલ સાધ્વીજી ભગવંત તત્વપ્રજ્ઞાશ્રીજી મહારાજે કરી હતી . સાધ્વીજી ભગવંત તત્વપ્રજ્ઞાશ્રીજી મહારાજે જણાવ્યું કે જૈન ધર્મ આત્માનો ધર્મ છે , ધર્મ જીવનને ટકાવે છે .

ધર્મ જ મનુષ્યમાં સદગુણોનું આરોપણ કરે છે . ધર્મ જ વેર - વિરોધ ધટાડે છે, જેથી પ્રેમ - સ્નેહભાવ વધે છે . ધર્મ દયા અને કરૂણા શીખવે છે જેથી ક્રોધ અને લોભ ઘટતાં ઘટતાં ખતમ થઇ શકે છે . ધર્મ દ્વારા આપણે સદ્દવિચારી , સદાચારી અને સંયમી બની શકીએ છીએ . આ વરઘોડામાં 500થી વધુ જૈનો સાથે જૈન સંધના સેક્રેટરી રાજુભાઇ મહેતા , ભૂપતભાઇ મહેતા , પ્રવિણભાઇ શાહ , ડો.અમીનેષ શેઠ , પૂર્વ સાંસદ લલિતભાઇ મહેતા , મહિલા મંડળના સેક્રેટરી નિલાબહેન દોશી , ટ્રસ્ટી જયશ્રીબહેન દોશી જોડાયા હતા . ચાંદીનો રથ જૈન યુવાનોએ ખેંચ્યો હતો . ભગવાનની પાલખી જૈન શ્રાવકોએ ઉપાડી હતી . વરધોડાની સંપૂર્ણ વ્યવસ્થા મનીષભાઇ દોશી અને મુકેશભાઇ દોશીએ સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...