લોકોમાં ભારે રોષ:વાંકાનેરની મનમંદિર સોસા.માં સુવિધાનો અભાવ, ગટર પરના ઢાંકણા જ ગાયબ, રસ્તા તૂટેલા: આમાં કેમ જીવવું?

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર હજુ નહીં જાગે તો પાલિકાને ઘેરાવ, ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી

વાંકાનેરની મનમંદિર સોસાયટી સાથે નગર પાલિકાના સત્તાધિશો અને અધિકારીઓ દ્વારા સતત ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાનું ચિત્ર સામે આવ્યું છે. લોકોને રસ્તા, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓથી હજુ સુધી વંચિત રખાતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. લતાવાસીઓ દ્વારા પાલિકા કચેરીએ અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી પરંતુ આજ સુધી કોઈ પરિણામ આવેલ નથી.ચીફ ઓફિસર ,ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા સત્તાધિશોને અનેક રજૂઆતો કરવા છતાં ગંદકી , રોડ રસ્તાઓના કામ બાબતે ઉદાસીનતા દાખવતા લતાવાસીઓ રોષે ભરાયાં છે.

શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલી મનમંદિર સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે ખુલ્લી ગટરની સાફસૂફી , ગટર ઉપરની સિમેન્ટની પાપડી તૂટેલી હાલતમાં હોવા બાબતે લતાવાસીઓએ પાલિકા તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી છતાં કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.

મનમંદિર તથા આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પણ ધૂળધાણી થઈ ગયા હોવા છતાં પાલિકા દ્વારા રસ્તાઓ બનાવવામાં આવેલ નથી.સોસાયટીની મહિલાઓ સહિતનાઓએ પાલિકા તંત્ર આ વિસ્તારના ગટર તેમજ રસ્તાઓ ની કામગીરી સત્વરે હાથ ધરવામાં નહિ આવે તો નગરપાલિકાને ઘેરાવ કરવાની તેમજ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી લતાવાસીઓએ ઉચ્ચારી હતી.વધુમાં લતાવાસીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અમોએ પાલિકાને ગટર પરની તૂટેલી પાપડી તથા ગંદકી સહિતની રજૂઆતો કરી હતી જેના અનુસંધાને કર્મચારીઓ સ્થળ નિરીક્ષણ કરી ગયા હતા

પરંતુ હજુ સુધી સમસ્યાનો નિકાલ કરવામાં આવેલ ન હોય આખરે કંટાળી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી છે.મનમંદિર સોસાયટીના રહીશો રશ્મિબહેન પુષ્કરભાઈ ત્રિવેદી , પ્રતિભાબહેન ત્રિવેદી , રિદ્ધિબહેન ત્રિવેદી, વીનલબહેન માંડલિયા, દર્શનાબેન જાની, ગીતાબા જાડેજા, શારદાબેન ચૌધરી, આરતીબહેન વીંછી, લીલાબહેન વસંતભાઈ, કલ્પનાબહેન રાવલ, જયાબહેન રાવલ, હર્ષાબહેન માંડલિયા સહિતનાઓએ પાલિકા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે પાલિકા તંત્ર અમારી સોસાયટી સાથે ઓરમાયું વર્તન કરે છે, જે સાંખી લેવામાં નહીં આવે. શહેરના મોટાભાગના રસ્તાઓ પાકા બની ગયા છે, તો અમારો શું વાંક ?

અન્ય સમાચારો પણ છે...