રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ચંદરિયા પાસેથી 3.96 લાખની નકલી ચલણી નોટો સાથે ટંકારાના જીવાપર ગામના રહીશ સહિત બેની ધરપકડ કરવામાં આવી હતી અને કડક પૂછપરછ દરમિયાન આ શખ્સોએ વાંકાનેરના વધુ બે ઇસમના નામ આપતાં રાજસ્થાન પોલીસ વાંકાનેર પહોંચી હતી અને ઈરફાન ઉર્ફે ઇસ્માઇલ અલીભાઈ કડીવાર તથા ગુલશન પાર્કમાં રહેતા એજાજ ઉસ્માન પરાસરા નામના બે શખ્સને ચિત્તોડગઢના ચંદરિયા ઉપાડી ગઇ હતી.
વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત માહિતી મુજબ થોડા સમય પહેલા ટંકારા તાલુકાના જીવપર ગામનો મિતુલ પટેલ નામનો શખ્સ નકલી નોટ વટાવવા રાજસ્થાન ગયો હતો અને પકડાઈ ગયો હતો. તેણે ભીલવાડાના અન્ય એક શખ્સ મહાવીરસિંહ સાથે મળીને આખું કૌભાંડ આચર્યું હતું. અને પોલીસના હાથે ઝડપાઇ જતાં કૌભાંડના વટાણા વેરી નાખ્યા હતા.
આરોપીઓની આકરી પૂછપરછ બાદ આખા કૌભાંડનો રેલો વાંકાનેર સુધી પહોંચતા રાજસ્થાન પોલીસ સફાળી જાગી ગઇ હતી અને તપાસ માટે વાંકાનેરમાં ધામા નાખીને તાલુકાના રાજાવડલા , અમરસર , ચંદ્રપુર ગામનું ગુલશન પાર્ક તથા જડેશ્વર નજીક આવેલા તળાવ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ શહેરમાં એક કમ્પ્યૂટર રિપેરિંગની દુકાને પણ પ્રિન્ટર બાબતે તપાસ કરવામાં આવી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન મિતુલે જણાવ્યું હતું કે આ 3.96 લાખની નકલી નોટ મોરબીથી લાવીને ભીલવાડાના મહાવીરસિંહને આપી હતી. તપાસ દરમિયાન અમરસર ગામના ઈરફાન ઉર્ફે ઇસ્માઇલ અલીભાઈ કડીવાર તથા ગુલશન પાર્કમાં રહેતા એજાજ ઉસ્માન પરાસરા નામની બે વ્યક્તિને પોલીસ પૂછપરછ માટે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ચંદરિયા પોલીસ સ્ટેશન લઈ ગઇ છે. વધુ કેટલાક શખ્સોની સંડોવણી બહાર આવવાની પૂરેપૂરી શકયતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.