મોત ક્યારે કેવી રીતે આભમાંથી ટપકી શકે તે કોણ જાણી શક્યું છે? વાડીની ઓરડી પર હસતાં ખેલતાં બાળકો પળવારમાં દાઝીને કણસતાં થઇ જાય તે કોણ જોઇ કે માની શકે? આવી જ એક કરૂણ ઘટના વાંકાનેરના વાલાસણ ગામ નજીક આવેલી વાડીમાં બની હતી અને આદીવાસી પરિવારના બાળકો વાડીની ઓરડી પર રમી રહ્યા હતા ત્યારે લોખંડનો પાઇપ ઉંચો કરી દેતાં તે ઉપરથી પસાર થતી 11 કેવી વીજલાઇનને અડી ગયો હતો અને વીજ કરંટ પસાર થતાં બન્ને બાળક ભયંકર દાઝી ગયા હતા જેમા બાળકીનું ઇજાના પગલે મોત નીપજ્યું હતું જ્યારે બાળકને વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે યુનુશભાઇ જીવાભાઇ ભોરણીયાની વાડીએ ખેત મજૂરી કરતા શ્યારામચંદ્ર ખરાડીના પુત્ર વિશાલ (ઉ.વ. 8) અને પુત્રી પાયલ (ઉ.વ.10) વાડીની ઓરડી ઉપર રમતા હતા ત્યારે રમત-રમતમાં હાથમાં રહેલો લોખંડનો સળીયો ઉપરથી જ પસાર થતી 11 કેવીની હેવી વીજલાઇનને અડાડી દેતા બન્ને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
માતા પિતાને આખી બીનાની ખબર પડતાં તાબડતોબ વાંકાનેર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં વધુ ગંભીર રીતે દાઝી ગયેલી પાયલનું મોત નીપજ્યું હતું જ્યારે વિશાલને રાજકોટ રીફર કરવામાં આવ્યો છે. અત્યંત આઘાત પમાડે તેવી ઘટનાથી નાનું એવું વાલાસણ ગામ હતપ્રભ બની ગયું છે અને આદીવાસી પરિવારને સાંત્વના પાઠવી રહ્યું છે.
વાંકાનેરના એકતા ગ્રુપના કાર્યકરોએ કરી અંતિમ વિધિ
પાયલનું ગંભીર ઇજાના પગલે મોત નીપજતાં પરિવાર સ્તબ્ધ બની ગયો હતો બીજી તરફ વિશાલને વધુ સારવારની જરૂર હોઇ રાજકોટ રીફર કરાયો છે અને માતા પિતા વિશાલ સાથે હોઇ પાયલની અંતિમ વિધિ કોણ કરે તે સવાલ ઉભો થયો હતો ત્યારે વાંકાનેરના એકતા ગ્રુપના કાર્યકરો પરિવારની પડખે આવ્યા હતા અને પાયલને અંતિમ વિદાય આપી હતી. જેમાં બિપીનભાઈ દોશી , સરફરાઝ મકવાણા , ઋષિભાઈ સહિતનાઓ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.