મોરબી:વાંકાનેરના કન્ટેઈનમેન્ટ ઝોનમાં તંત્ર ગંભીર નથી, જમવાનું પણ અપાતું નથી

વાંકાનેર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેદીઓની જેમ રખાતા હોવાના આક્ષેપ સાથે મહિલાઓ પોલીસ છાવણી પહોંચી

કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરેલા અરુણોદય વિસ્તારમાં રહેતી મહિલાઓ આજે તંત્ર દ્વારા પુરતો ખોરાક ન આપતા હોવાના તેમજ તંત્ર તેમની રજૂઆતનો યોગ્ય નિકાલ ન લાવતી હોવાના આક્ષેપ સાથે ઘરની બહાર નીકળી પોલીસ છાવણી સુધી પહોંચી પોતાની વ્યથા ઠાલવી હતી. ૩ મહિનાથી ઘરમાં બંધ રહેવાને કારણે માનસિક રીતે થાકી ગયા હોય તેમજ આર્થિક સ્થિતિ પણ કથળી હોવાનું જણાવ્યું હતું. 

આ વિસ્તારમાં રહેતા ૨૪૦ જેટલા વધુ લોકોની હાલત કફોડી બની
વાંકાનેરના અરુણોદયનગરમાં રહેતા એક વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન કરી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યો હતો. જે વૃદ્ધને કોરોના થયો હતો તે સ્વસ્થ થઇ ગયા છે અને રજા પણ આપી દેવાઈ છે. જો કે તકેદારીના ભાગરૂપે ૧૪ દિવસ હોમ ક્વોરોન્ટાઇન છે. આ તમામ ગતિવિધ ચાલુ છે. આ વિસ્તારમાં રહેતા ૨૪૦ જેટલા વધુ લોકોની હાલત કફોડી બની છે, કારણ કે તંત્ર દ્વારા આ વિસ્તાર કન્ટેઈનમેન્ટ જાહેર થવાને કારણે હાલ તેઓ ઘરની બહાર નીકળી શકતા નથી. સતત ઘરમાં રહેવાને કારણે માનસિક અસર પહોચી છે તો ૩ માસથી કામ ધંધા બંધ હોવાના કારણે આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે. આ બાબતે તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર ગંભીરતાથી ન લેતા હોવાનો આક્ષેપ સાથે આ વિસ્તારની મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો, અને પોલીસ છાવણી પાસે પહોંચી તેમની વ્યથા ઠાલવી હતી મહિલાઓની રજૂઆત બાદ ફરિયાદ કરનાર એક આધેડને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયારે મહિલાઓને સમજાવી તેમના ઘરે પરત મોકલી મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...