કાર્યવાહી:વાંકાનેરમાં દોઢ લાખના કપડાં ભરેલી કાર હંકારીને તસ્કરો બેખોફ રવાના થયા

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોક શકો તો રોક લો, નિશાચરોનો પોલીસને ખુલ્લો પડકાર

વાંકાનેર શિવપાર્ક વિસ્તારમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર આપી જાણે શહેરમાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ કાયદાની ઐસી કી તૈસી કરી રેડીમેઇડ કાપડના વેપારીની ઘર પાસે પાર્ક કરેલી અને નાઈટ પેન્ટ અને ટીશર્ટ સહિત 1.50 લાખનો માલ ભરેલી કાર જ ઉઠાવી ગયા હતા, જેથી શહેરમાં ચકચાર મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરની શિવપાર્ક સોસાયટી શેરી નંબર 3માં રહેતા યોગેશભાઈ પ્રવિણભાઈ મચ્છોયા કારમાં નાઈટ પેન્ટ અને ટીશર્ટ વેચવાનો ધંધો કરતા હોય ગત તા.28ના રોજ રાત્રે ઘર પાસે ધંધા માટે પેન્ટ ટીશર્ટ ભરેલી કાર પાર્ક કરી હતી ત્યારે કોઈ અજાણ્યા તસ્કર માલ ભરેલી આંખે આખી ઇકો કાર જ ઉઠાવી ગયા હતા. જેને પગલે ભોગ બનનાર યોગેશભાઈએ પ્રથમ ઇ એફ આઇ.આર. નોંધી હતી.

વાંકાનેર સીટી પોલીસે યોગેશભાઈ પ્રવિણભાઈ મચ્છોયાની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રૂપિયા 4 લાખની ગાડી રજી.નંબર-GJ-36-R-6911 તેમજ તેમાં ભરેલા દોઢ લાખના કપડાની ચોરી કરી જવા મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે ભૂતકાળમાં નિશાચરોએ વાંકાનેર પંથકમાં હાહાકાર મચાવ્યો હતો જેમાં શહેરમાં અનેક સ્થળોએ ધોળે દિવસે તેમજ રાત્રીના મોટી રકમની ચોરીની ઘટના ને અંજામ આપી રીતસર પોલીસને ચેલેન્જ આપી હતી ત્યારે ફરી તસ્કરો એક્ટિવ થતાં લોકોમાં ભય છવાયો છે.

શહેર તથા તાલુકામા ભાડે રહેતા અને સિરામિક સહિતના વ્યવસાયોમાં નોકરી કરતા પરપ્રાંતીયોની નોંધણી કરાવવી મકાન માલિકો માટે ફરજિયાત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે ત્યારે હવે જોવું રહ્યું કે કેટલા મકાન માલિકો ક્યારે ભાડુઆતની માહિતી પોલીસને આપશે.

અન્ય સમાચારો પણ છે...