વાંકાનેર પીરમશાયખ હોસ્પિટલ ખાતે બીજા માળે રહેતા ડોકટરના મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે અને તબીબના સાળાએ જ તેના મિત્રની મદદથી ચોરીને અંજામ આપ્યો હતો. લોકડાઉન સમયમાં પર્સનલ લોનના હપ્તા ચડી જતાં તબીબના સાળાએ બહેનના ઘરને જ નિશાન બનાવ્યું હતું. સીસીટીવી ફૂટેજ અને અમુક શંકાસ્પદ બાબતોમાં ઉંડાણથી તપાસના અાધારે આ ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો.મોરબી એલ.સી.બી.ના પી.આઇ. વી.બી.જાડેજા તથા ટીમે રોકડા રૂપીયા 12.85 લાખના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડ્યા હતા. અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર શહેરની પીર મશાયખ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને ત્રીજા માળે રહેતા ડૉ.સાજીદભાઈ હસનભાઈ પાસલીયાએ મેઇન દરવાજાની ડુપ્લીકેટ ચાવી દ્વારા તાળું ખોલી કબાટના ખાનામાં રાખેલા રોકડા રૂપીયા ૧૩ લાખની ચોરી થયાની પોલીસને જાણ કરી હતી. પોલીસે સી.સી.ટી.વી. સહિતની તપાસ કરી હતી જેમાં એલસીબીના એઅેસઆઇ સંજયભાઇ પટેલ, ચંદુભાઇ કાણોતરા, વિક્રમભાઇ કુંગસીયાને હક્કિત મળી કે આ ગુનો ફરિયાદીના સાળા અવેશ ઇકબાલભાઇ આમદભાઇ કોતલએ મિત્રની મદદ લઈ આચર્યો છે.
આથી ટીમ જુનાગઢ દોડી ગઇ હતી અને અવેશ કોતલ (ઉ.વ. 31) તથા તેના મિત્ર સાકીરભાઇ કાદરભાઇ હસનભાઇ દુરવેશ (ઉ.વ.34)ને દબોચી લઇ મોરબી લાવી પુછપરછ કરતા બન્નેએ ગુનો કબુલી લીધો હતો અને રોકડા નાણાં કે જે વાંકાનેર મચ્છુ નદીના પટ્ટમાં સંતાડી રાખ્યા હતા તે પણ કાઢી આપ્યા હતા.
પોલીસે 12.85 લાખ કબજે લઇ કાર્યવાહી કરી હતી. ગણતરીની કલાકો મા જ આરોપીને મુદ્દામાલ સાથે પકડી ભેદ ઉકેલાવાની કામગીરીમાં પીઆઇ એલસીબી જાડેજા, પીએસઆઇ ડાભી, એ.ડી.જાડેજા, ASI સંજયભાઇ પટેલ, રજનીકાંત કેલા, કોન્સટેબલ ચંદુભાઇ કાણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા શકિતસિંહ ઝાલા , દિલીપભાઇ ચૌધરી , વિક્રમસિંહ બોરાણા સહિતનો સ્ટાફ જોડાયો હતા.
આરોપી અવેશ જૂનાગઢની એક ખાનગી શાળાનું વાહન ચલાવે છે
13 લાખની રોકડ રકમની ચોરીને અંજામ આપનાર આરોપી ફરિયાદી ડોકટરનો સગો સાળો થાય છે. જે પ્રાઇવેટ સ્કુલમાં સ્કુલ વાહન ચલાવતો હતો. પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી તે સ્કુલ વાહન લોકડાઉનના કારણે બંધ હોય તેમજ તેણે પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે પર્સનલ લોન લીધી હતી અને તેના હપ્તા ચડત થઇ જતાં તેની નજર બહેનના ઘર પર પડી હતી અને બનેવીના ઘરમાં રોકડ પડી હોવાની તેને જાણ હતી જ. આથી તેણે પોતાના મિત્ર સાથે આવી મકાનની રેકી કરી બાદમાં આ ચોરીને અંજામ આપેલ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.