લોકોમાં ભારે અસંતોષ છવાયો:વાંકાનેરના ધરમનગરમાં ભારે પવનથી ઘરના નળિયા ઉડ્યા, વળતર આપવામાં કચેરીના ઠાગાઠૈયા

વાંકાનેર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત માસમાં મિનિ વાવાઝોડાએ મકાનોને નુકસાન કર્યું, સરવે થયો છતાં સહાય મળી જ નથી !

વાંકાનેર શહેર નજીક આવેલા ધરમનગર ખાતે ગત તા. ૨૬ ના રોજ રાત્રીના આવેલા ભારે પવન સાથેના વરસાદના કારણે અહીં રહેતા ઘણા ગરીબ પરિવારોના ઘરોને ભારે નુકસાની પહોંચી હતી. જેથી આ લોકોને સરકાર તરફથી નુકસાનીનું વળતર આપવા માટે સ્થાનિકોએ માંગ કરી હતી પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે અસંતોષ છવાયો છે.

તા. ૨૬ ની રાત્રીના વાંકાનેર વિસ્તારમાં વરસાદ સાથે મીની વાવાઝોડા દરમ્યાન વાંકાનેરની ધરમનગર ગ્રામ પંચાયત કચેરી હેઠળ આવતા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોના મકાનના નળિયા ઊડી ગયા હતા તેમજ મકાનને નુકસાની થઈ હતી ગરીબ પરિવારોમા પનારા ચતુરભાઈ છન્નાભાઈ, ભાવેશભાઈ ગોરધનભાઈ, ધીરાભાઈ રતાભાઇ, ગોરધનભાઈ હમીરભાઇ, રાજેશભાઈ ધીરુભાઈ, સંજયભાઈ ધીરુભાઈ, વશરામભાઈ નાજાભાઇ, અશોકભાઈ નાજાભાઇ, જેસાભાઇ ભલાભાઇ, દિનેશભાઈ નાજાભાઇ અને કલાભાઈ વગેરેના ઘરના નળિયા ઉડી ગયા હતા જેના કારણે તેઓને નુકસાન પહોંચી હતી.

જેથી સહાયની માગણીને લઇને ધરમનગર ગામના તલાટી મંત્રીએ સ્થળ પર પહોંચી મકાનોને થયેલ નુકસાનીનો રિપોર્ટ કરી બનાવની જાણ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને કરી હતી. જેથી આ બાબતે સ્થાનિકોને તાત્કાલિક નુકસાનનીનું વળતર આપવા માંગ કરવામાં આવી છે. આ રિપોર્ટ ૨૭ જૂને કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તાલુકા પંચાયત કચેરી દ્વારા એન્જિનિયર પાસે મકાનની નુકસાનીનો પણ સરવે કરાયો હતો છતાં આજ સુધી કોઈ પરિવારને નુકસાનીનું વળતર મળ્યું નથી.

હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ ચાલુ હોવાના કારણે બીજી ઘરવખરીને નુકસાન થાય સાથે ગરીબ પરિવારોના મકાનના નળિયા ના હોવાથી વરસતા વરસાદમાં રહેવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ ગરીબો માટે તાત્કાલિક અસરથી સહાય મંજૂર કરી સહાય વિતરણ કરવામાં તંત્રને જાણે રસ ના હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

નુકસાનીનો અહેવાલ TDOને સોંપાઇ ગયો, કાર્યવાહી ક્યારે ?
સુત્રોમાંથી જાણવા મળ્યુ તાલુકા પંચાયત કચેરીના એન્જિનિયર સહિતના અધિકારીઓ દ્વારા કેટલાક દિવસો પહેલા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને નુકસાનીનો રિપોર્ટ પણ તાલુકા વિકાસ અધિકારીને સોંપી દેવામાં આવ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી ક્યારે ગરીબ પરિવારોને સહાય વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...