કાર્યવાહી:વાંકાનેરમાંથી 6.5 કિલો ગાંજા સાથે વયોવૃદ્ધ શખ્સની ધરપકડ

વાંકાનેર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી એસઓજી, સિટી પોલીસે 68 હજારનો મુદ્દામાલ કબજે લીધો
  • સુરત અને રાજકોટના​​​​​​​ શખ્સની સંડોવણી ખૂલતાં તેને ઝડપી લેવા તજવીજ

મોરબી એસઓજી અને વાંકાનેર શહેર પોલીસને નશીલા પદાર્થના વધતા કારોબારને નાથવામાં સફળતા મળી છે અને વાંકાનેર શહેરના રહેણાંકમાંથી ગાંજાના 6.5 કિલો જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 68,000નો મુદામાલ કબજે લઇ આગળની કાર્યવાહી આરંભી છે. પંથકમાંથી હજુ ત્રણ દિવસ પહેલા જ ચાર કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો અને તે ગુનાની શાહી સુકાઈ નથી ત્યાં રવિવારે ફરી વાંકાનેર શહેરના પોશ ગણાતા વિસ્તારના રહેણાંકમાંથી 6.5 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે.

વાંકાનેર સિટી પોલીસ સ્ટાફે મોરબી એસઓજી સાથે મળીને શહેરના માર્કેટચોક પાસે નાગરીક બેન્કની સામેની શેરીમાં રહેતા ૬૫ વર્ષીય ચંદ્રકાંત ઉર્ફે ચંદુભાઈ ત્રીભોવનદાસ જોબનપુત્રા (લોહાણા)ના મકાનમાં દરોડો પાડ્યો હતો અને માદક પદાર્થ ગાંજાનો સાડા છ કિલો જથ્થો કબજે લીધો હતો, જેની કિંમત 68,000 થવા જાય છે તે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસ પરથી અન્ય આરોપી મનોજ જૈના (રહે-ઉત્કલનગર, કતારગામ, સુરત) તથા હસમુખ ઉર્ફે રાજુ બચુભાઈ બગથરીયા (રહે-રાજકોટ) નું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઝડપાયેલ આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઓપરેશનમાં પીઆઇ વી. ડી. વાઘેલા તથા ઈન્ચાર્જ પીઆઈ પી. જી. પનારા, હેડ કો. રસિકભાઇ કડિવાર, મુકેશભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર તથા સતિષભાઇ ગરચર, સંદિપભાઇ માવલા તથા વાંકાનેર સીટીના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ. હરપાલસિંહ પરમાર તથા શક્તિસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

60 ચાઇનીઝ ફીરકી, 250 તુક્કલ સાથે બે પકડાયા
રાજકોટ | શહેરના મોરબી રોડ, જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા જીતેશ રમેશભાઇ મકવાણાને 10 ચાઇનીઝ ફીરકી સાથે બી ડિવિઝન પોલીસે, જ્યારે આજી ડેમ પોલીસે કોઠારિયા સોલવન્ટ પાસેના નારાયણનગર-1માં રહેતા સંજય ઉકાભાઇ સરવૈયાને 50 ચાઇનીઝ દોરાની ફીરકી અને 250 ચાઇનીઝ તુક્કલ સાથે ઝડપી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...