ચોરી:વાંકાનેર પાસે કપાસના વેપારીની કાર આંતરી છરીથી હુમલો કરી રૂપિયા 27 લાખની લૂંટ

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચંદ્રપુર પાસે વિકાસ જીન નામની ફેકટરી ધરાવતા ઉદ્યોગપતિની કાર પર પથ્થર ફેંકી ઊભી રખાવી બાદમાં બે બાઈકસવાર લૂંટ ચલાવી ચોટીલા તરફ ભાગી છૂટ્યા: પોલીસની નાકાબંધી

વાંકાનેરથી બે કિલોમીટર દૂર આવેલા ચંદ્રપુર ગામની સીમમાં વિકાસ જીન નામની ફેકટરી ધરાવતા ઉદ્યોગપતિ સોમવારે રાત્રે 7-30 કલાકે એકાઉન્ટન્ટની સાથે સ્વીફટ કારમાં વાંકાનેર તરફ જવા નીકળ્યા ત્યારે ફેકટરીથી એકદમ નજીક બે બાઈકસવારે કાર આંતરી ફેકટરીના માલિક પર છરી વડે હુમલો કરી રૂપિયા 27 લાખની રોકડ રકમ ભરેલા થેલા ઝૂંટવી બાઈક પર ચોટીલા તરફ નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત મોરબી એલસીબી સહિતના સ્ટાફે નાકાબંધી કરી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

છરીથી થયેલા હુમલામાં ઘાયલ વિકાસ જીનના માલિકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસસૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની આશિયાના સોસાયટીમાં રહેતા અને શહેરથી બે કિલોમીટર દૂર આવેલા ચંદ્રપુર ગામની સીમમાં વિકાસ જીનના નામની ફેકટરી ધરાવતા યુસુફભાઈ માથકિયા તેમના એકાઉન્ટન્ટ અબ્દુલભાઈ સાથે સ્વીફ્ટ કારમાં બેસી સોમવારે રાત્રે 7 વાગ્યા બાદ વાંકાનેર જવા નીકળ્યા હતા. ફેકટરીથી નેશનલ હાઈવે 500 મીટર જ દૂર છે.

હાઈવે પર કાર પહોંચે તે પહેલાં કાર પર કોઈએ વારાફરતી બે પથ્થર ફેંકતા યુસુફભાઈએ કાર થોભાવી હતી અને નીચે ઊતરે તે પહેલાં જ બાઈકમાં બે શખ્સ ત્યાં ધસી આવ્યા હતા અને હાથમાં રહેલા બેઈઝબોલના ધોકા વડે ડ્રાઈવર સાઈડનો કાચ તોડી નાખી યુસુફભાઈના પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ સમયે એકાઉન્ટન્ટ પણ આગળની સિટમાં બેઠા હતા. તેની બાજુમાં ગિયર પાસે પડેલા રૂપિયા ભરેલા થેલા ઊઠાવીને બન્ને શખ્સ નાસી છૂટ્યા હતા. અચાનક જ થયેલા હુમલા બાદ યુસુફભાઈ અને એકાઉન્ટન્ટ અબ્દુલભાઈએ પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી.

પરંતુ બન્ને લૂંટારુઓએ ધોકા વડે હુમલો કરી દીધો હતો અને પલભરમાં જ અંદાજે રૂપિયા 27 લાખ રોકડા લઈને ચોટીલા તરફ નાસી છૂટ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મૂળ વઘાસિયા ગામના નજરુદ્દીનભાઈ માથકિયા પણ આ ફેકટરીમાં પાર્ટનર છે અને મોટાભાગના કર્મચારીઓ પણ તેમના સગાસંબંધીઓ જ છે. આરોપીઓ જે દિશામાં ભાગ્યા છે ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી પરંતુ મોડીરાત સુધી આરોપીઓની ભાળ મળી ન હતી.યુસુફભાઈને પેટના ભાગે છરીનો ઘા મરાયો હોય તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓની ફરિયાદ લેવાની તજવીજ પણ વાંકાનરે પોલીસે મોડીરાતે શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...