તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:થાન તરણેતર રોડ પર આવેલા પાપનાસણા કુંડમાં સ્નાન અને દર્શનનો અનેરો મહિમા

વાંકાનેર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ દેવસ્થાનમાં ગૌહત્યા તથા બ્રહ્મહત્યા જેવા પાપોનું પ્રાયશ્ચિત ભગવાન રામ, બળદેવજી તથા પાંડવોએ કર્યું’તું

પવિત્ર એવી પાંચાળ ભૂમિ પર થાન તરણેતર રોડ પર આવેલા પાપનાસણા કુંડ અને પાપનાસણા મહાદેવના દર્શનનો અનેરો મહિમા છે. આ દેવસ્થાનની કથા કંઇક આ મુજબ છે.ભગવાન શ્રીરામે રાવણ દહન કરી માતા સીતાને લંકાથી પાછા અયોધ્યા પરત તો લાવ્યા પણ રૂષિમુનિ,ગુરૂજનો અને શાસ્ત્રો સંગત પુરાવા પરથી વાત સિદ્ધ થઇ કે રાવણ દહન - વધ કરવાથી રામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. તેથી બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. થાનથી તરણેતર જતા વચ્ચે આવતો પ્રદેશ ત્યારે પાપોનંદ નામના જંગલ તરીકે ઓળખાતો હતો .

ભગવાન રામ ,માતા સીતા,રૂષિ મુનિ અને ગુરુ જનો સાથે અહીં શીવલીંગની સ્થાપના કરી, આથી ભગવાન શંભુ અહીં પ્રગટ થયા અને શિવજીએ તે જગ્યા પર કુડમાં ગંગાને પ્રગટાવ્યા અને રામસીતા સર્વે એ સ્નાન કરી શુધ્ધ પવિત્ર થયા પછી મહાદેવે કૈલાસના પર્વત પરથી એક શીલા સ્થાપિત કરી જે શીવલીંગ પાપનાશેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. કુંડ પાપનાશક કુંડ તરીકે, કૈલાસનો પથ્થર બ્રહ્મ શીલા તરીકે અને આ જગ્યા પાપ નાશણા તરીકે પ્રખ્યાત થઇ. અજ્ઞાત વાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હતા.વિરાટ નગરથી પાપોનંદ જંગલમાં આવવા માટે રસ્તો હતો નહીં એકદમ ગાઢ જંગલ હતું.

આથી યુધિષ્ઠિરના કહેવાથી અર્જુને અગ્નિ વેદી બાણ ચલાવી રસ્તો કર્યો હતો.જેમાં અજાણતા એક ગાયની હત્યા થઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની હાજરીમાં પાંડવોએ અહીં પાપનું નિવારણ કર્યું હતું ત્યાર બાદ દ્રોપદી સાથે વિવાહ થયા.એક કથન મુજબ બ્રહ્માજી ને એમની દીકરીએ શ્રાપ આપેલો એનું નિવારણ બ્રહ્માજી એ આજ શીલા ઉપર બેસીને કરેલું.એટલે આ શીલા બ્રહ્મશીલા કહેવાય છે. થાનગઢથી તરણેતર જતા કાનપુરના પાટિયા પાસે પાપનાશણાનું બોર્ડ આવે છે. આજે હજારો લોકો પાપ ધોવા પાપનાસણા કુંડના પાણીમા સ્નાન કરી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓ કુંડના પાણીને માથે ચઢાવી કે સ્નાન કરી વડલાના વૃક્ષ નીચે રહેલી બ્રહશિલા પર પત્થર ઘસીને પોતાના પાપનો નાશ કરવાનું મહત્વ છે. બાદમાં ભગવાન સદાશિવ પાપનાશણા મહાદેવના દર્શન કરી ધન્યતા સાથે પાપ મુક્ત થયાની અનુભૂતિ કરે છે.આ સ્થાન સુધી પહોંચવા ડામરનો પાક્કો રોડ બનાવવામાં આવેલ છે પરંતુ જો સરકારનું પુરાતત્વ વિભાગ દ્વારા આ જગ્યાને વિકસાવવામાં આવે તો અનેક ઇતિહાસ ધરાવતી આ પવિત્ર પાંચાળ પ્રદેશમાં વધુ એક ધાર્મિક સ્થળ અજાણ લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની શકે.

અન્ય સમાચારો પણ છે...