વાંકાનેર પંથકમાં ખનીજચોરી કરતા વાહનો માતેલા સાંઢની જેમ દોડતા હોય છે અને ચાલકો છાશવારે જીવલેણ અકસ્માત સર્જી નાસી જવામાં સફળ રહે છે. ખનીજ વહન કરતા ડમ્પરમા મોટાભાગે નંબર પ્લેટ લગાવવામાં આવતી નથી તેથી અકસ્માત સર્જી નાસી જનારું ડમ્પર સહેલાઈથી પકડી શકાતું નથી. આવી જ ઘટના શહેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકા પાસે બની હતી અને અહીંથી પસાર થતા એક બાઈક સવાર વૃદ્ધને ડમ્પર ચાલકે હડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી અને મોત થયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મકનસર પાસે રહેતા સુરેન્દ્રસિંગ વિક્રમસિંગ યાદવ નામના વૃદ્ધ પોતાનું બાઈક નં. GJ 36 AB 1390 લઈને ઢૂવાથી વાંકાનેર બીએસએનએલ ઓફીસે જતા હતા ત્યારે વઘાસીયા ટોલનાકા નજીક ડમ્પર નંબર GJ 36 T 3145 ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફિકરાઈથી હંકારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેમાં બાઈક ચાલક વૃદ્ધને ઠોકર મારી હતી અને તેમને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું. બનાવને પગલે મૃતકનાં ભાઈની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પંથકમાં તંત્રની નજર સામે જ ખનિજ ચોરી થઈ રહી છે અને ખનિજ માફિયાઓને તંત્રનો બિલકુલ ખોફ જ નથી. વાહનોમાં ઓવર લોડ ખનિજ વહન કરે છે, બેફામ બની ડમ્પર ચલાવવામાં આવે છે શિખાઉ કે લાઇસન્સ ન ધરાવતા અને નશો કરેલી હાલતમાં પણ ડમ્પર ચલાવી અનેક જીવલેણ અકસ્માત સર્જાવાની ઘટના બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.