કમોસમી વરસાદની આગાહીના પગલે રાજકોટ અને મોરબી જિલ્લાના મોટાભાગના માર્કેટિંગ યાર્ડના સંચાલકોએ જસણીઓ ખુલ્લામાં ન રહે અને ખેડૂતોને તેમજ વેપારીઓને નુકસાન ન થાય તે માટે આગોતરી તૈયારી કરી લીધી છે. વાંકાનેર યાર્ડમાં તો ઘઉં અને કપાસ સિવાયથી જણસીની ઉતરાઇ જ બંધ કરી દેવાઇ છે તો બીજી તરફ ગોંડલ, મોરબી અને જસદણ સહિતના મહત્વના યાર્ડમાં જણસીને ઢાંકીને રાખવા સુચના અપાઇ છે.
વાંકાનેર યાર્ડ ખાતે શુક્રવારે સાંજે પાંચ વાગ્યા પછીથી યાર્ડમાં ઘઉં અને કપાસ સિવાય તમામ ખેત જણસીઓની ઉતરાઈ આગામી જાહેરાત સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને હાલ યાર્ડમાં જે માલ ઉપલબ્ધ છે તેની હરાજી શરૂ રહેશે. કમોસમી વરસાદથી થતી નુકસાનીથી બચવા માટે વેપારીઓએ પોતાના માલ ગોડાઉનમાં ખસેડી લેવા તાકીદ કરાઇ છે. તો બીજી તરફ જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ખેડૂતોને ખેતપેદાશો અને જણસી ઢાંકીને લાવવા તાકીદ કરી છે.
જેમનો પાક યાર્ડમાં પડ્યો છે તેમને પણ ઢાંકીને રાખવાની વ્યવસ્થા કરવા જણાવી દેવાયું છે. મોરબી યાર્ડના સંચાલકોએ પણ આગામી બે દિવસ ખેડૂતોને પોતાનો તૈયાર પાક ન લાવવા અપીલ કરી છે. અને જો ખેડૂતો પાક લાવ્યા હોય તો સુરક્ષિત રીતે વરસાદથી બચે તે રીતે ઢાંકી રાખવા તાકીદ કરવામાં આવી છે આ ઉપરાંત વેપારીઓને પણ ખરીદેલ માલ વહેલી તકે ગોડાઉનમાં ફેરવવા તેમજ યાર્ડમાં શેડમાં રાખવામાં આવેલો માલ તાલપત્રીથી ઢાંકવા સૂચના આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.