ક્રાઇમ:વાંકાનેરમાં પાડોશીના લેણિયાતને સમજાવવા ગયેલા યુવકની હત્યા

વાંકાનેર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમિત કોટેચા - Divya Bhaskar
અમિત કોટેચા
  • આરોપીઓ ગાળાગાળી કરતા હોવાથી મધ્યસ્થી બન્યો હતો

વાંકાનેરમાં પાડોશીઓ સાથે પૈસાની લેતીદેતી બાબતે લેણીયાતો આવીને વારંવાર ગાળાગાળી કરતા હોઇ, સમજાવટ કરવા ગયેલા યુવક પર ત્રણ શખ્સે હુમલો કર્યો હતો અને ગુપ્તી તેમજ છરીના આડેધડ અનેક ઘા ઝીંકી યુવકને હત્યા નીપજાવી હતી, અને ત્રણે નાસી છૂટ્યા હતા. શનિવારે મોડી રાતે બનેલી ઘટનાના પગલે પોલીસે આરોપીઓને ઝડપી લેવા સહિત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

વાંકાનેર નેશનલ હાઇવે પાસે આવેલી અમરનાથ સોસાયટીમાં રહેતા અમિત ઉર્ફે લાલો તે જ સોસાયટીમા રહેતા સુરેશભાઈ વિષ્ણુભાઈ ગોંડલિયાના ઘરે પૈસાની લેતીદેતી મામલે સરફરાઝ તથા ઇમરાન આવીને વારંવાર ગાળાગાળી કરતા હોય તેમને સમજાવવા ગયો હતો બાદમાં અમિત સોસાયટીના નાકે બેઠો હતો તે દરમ્યાન ઇનાયત તથા ઇમરાને આવી યુવક પર ગુપ્તી તથા છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ અંગે અમિતના ભાઇ હીમાંશુભાઇ અશ્વિનભાઇ કોટેચાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમે કન્સ્ટ્રક્શનનો ધંધો કરી ગુજરાન ચલાવીએ છીએ. અમે બે ભાઇ તથા એક બહેન છે . અમિત સૌથી મોટો હતો. બે ત્રણ દિવસ પહેલાં જ અમિતે મને વાત કરી હતી કે બાજુમાં રહેતા સુરેશભાઇએ સરફરાજ તથા ઇમરાન પાસેથી પૈસાની લેતીદેતી કરી છે અને એટલે જ આ બન્ને અવારનવાર સુરેશના ઘરે આવી ગાળાગાળી કરતા હોઇ મેં બન્નેને ટપાર્યા હતા અને એ બાબત આ બન્નેને ગમી નથી. તેઓ ગમે ત્યારે મારી સાથે માથાકૂટ કરશે જ , આથી તું પણ ધ્યાન રાખજે.

શનિવારે રાતે અમિત લેથવાળાની દુકાન પાસે બેઠો હતો, ત્યારે અમે સાથે હતા અને મારા પત્નીનો કોલ આવતાં હું ઘરે આવ્યો. ત્યાર બાદ રાતે એક વાગ્યે મારો પિતરાઇ વિરલ બુધ્ધદેવનો મને ફોન આવ્યો કે , તું અમરનાથ સોસાયટીના નાકે પહોંચ. ત્યારે વિરલ ત્યાં હાજર હતો અને અમિત લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યો હતો.

૧૦૮ની મદદથી અમિતને સરકારી દવાખાને ખસેડ્યો. અમિતના શરીર પર અનેક ઘા ઝીંકાયા હતા અને ખૂબ લોહી વહી ગયું હતું. વાંકાનેર સિવિલમાં ફરજ પરના તબીબે અમિતને મૃત જાહેર કર્યો હતો. વિરલે કહ્યું કે અમિતને ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા તેમજ ઇમરાન ફારૂકે જ છરી અને ગુપ્તીના ઘા ઝીંક્યા છે. પોલીસે હિમાંશુભાઇ કોટેચાની ઉપરોક્ત ફરિયાદના આધારે ત્રણે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તમામને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...