કાર્યવાહીની માંગ:વાંકાનેરની પરિણીતાને એસિડ એટેકની ધમકી આપનાર યુવાન વડોદરા શહેરથી ઝડપાયો

વાંકાનેર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘તમે મને ગમો છો’ કહીને પજવતા શખ્સની પોલીસે આગવી સરભરા કરી સાન ઠેકાણે લાવી
  • શખ્સ સામે કડક કાર્યવાહીની માંગ સાથે મહિલાઓના ટોળાં પોલીસ મથકે ઊમટ્યાં

વાંકાનેરની પરિણીતાને તમે મને ગમો છો કહીને બાદમાં માનસિક પજવણી કરતા તેમજ એસિડ એટેકની ધમકી આપનાર યુવકને પોલીસે વડોદરાથી દબોચી લીધો હતો અને તેની આગવી ઢબે સરભરા કરીને તેની સાન ઠેકાણે લાવી દીધી હતી. બીજી તરફ શખ્સને કડક સજા થાય તેવી માગણી સાથે ભૂદેવો અને મહિલાઓના ટોળાં પોલીસ સ્ટેશને ઉમટ્યાં હતા.

સોશ્યલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન ટ્રેડિંગ કરતી પરિણીતાને તમે મને ગમો છો કહી એક યુવકે એસિડ એટેકની ધમકી આપી હતી જેને પગલે મહિલાએ શહેર પોલીસ મથકે મોબાઈલ નંબરને આધારે જાવિદ કુરેશી નામના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ થતાં યુવક ભૂગર્ભમાં ઉતરી ગયો હતો જેને પોલીસે વડોદરાથી દબોચી વાંકાનેર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે શહેરભરના ભૂદેવો સાથે મહિલાઓના ટોળા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

વાંકાનેરની પરિણીતા ચણીયા ચોલી તથા ડ્રેસ મટિરિયલનું ઓનલાઇન ટ્રેડિંગ કરતી હતી, તેથી જાવિદ કુરેશીએ તેને ઓર્ડર આપ્યો હતો અને ત્યાર બાદ આ શખ્સે પોતાનું પોત પ્રકાશ્યું હતું , તેમજ પરણિતાને તમે મને ગમો છો કહેતાં ત્યારે પરિણીતાએ પોતાના અસલી મીજાજના દર્શન કરાવ્યા હતા અને પતિને આપવીતી જણાવતા પતિ પત્નીએ જાવિદ કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી વાંકાનેર શહેર પોલીસે પરિણીતાના ઘર પર રક્ષણ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, સાથે આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા હતા. મોબાઈલના લોકેશનને આધારે અનેક સ્થળે તપાસ હાથ ધરી હતી તેવામાં વડોદરાનું લોકેશન મળતા જ પોલીસ પહોંચી હતી અને આરોપી જાવિદ કુરેશીને દબોચી લીધો હતો. વધુ તપાસ પી.ડી.ઝાલા અને હરપાલસિંહ ચલાવી રહ્યા છે.

7થી વધુ શહેરમાં પજવણી મુદ્દે ગુના નોંધાયા
આ શખ્સની સામે જેતપુર , ગોંડલ , રાજકોટ સહિત સાતથી વધુ શહેરોમાં મહિલાઓને પજવણીના ગુનાઓ નોંધાયા હતાં, અને કાર્યવાહી થઇ હતી આમ છતાં આ શખ્સે તેની આવી નાપાક હરકતો બંધ કરી ન હતી. આથી વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોએ આરોપીને ઝડપથી પકડી પાડીને તેની સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...