દુર્ઘટના:વાંકાનેર હાઇવે ક્રોસ કરી રહેલા યુવાનને ટ્રકચાલકે અડફેટે લીધો : સારવારમાં મોત

વાંકાનેર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોઝારા સર્કલ પાસે ટ્રક હડફેટે વધુ એક માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ ગઇ

વાંકાનેર હાઇવે નજીક અકસ્માત ઝોન ગણાતા નેશનલ હાઈવે ચોકડી ખાતે બપોરના સમયે પગપાળા હાઇવે ક્રોસ કરી રહેલા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર હાઈવે ચોકડી ખાતે રોડ ક્રોસ કરતી વેળાએ રાજેશભાઈ કાનજીભાઈ સીતાપરા(ઉ.વ.38, રહે. જીનપરા, વાંકાનેર) નામના રાહદારીને ચોટીલા તરફથી આવતા એક ટ્રક ચાલકે હડફેટે લેતા રાજેશભાઈને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવમાં મૃતકના ભાઈએ બેફીકરાઈથી ટ્રક ચલાવી અકસ્માત સર્જી યુવાનનું મોત નિપજાવનાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની હાજરી માત્ર નામની જ!
નેશનલ હાઇવે પર પોલીસની ઉપસ્થિતિમાં જ પેસેન્જર વાહન ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિક સમસ્યા પેદા કરી રહ્યા છે જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે પોલીસ ટ્રાફિક સમસ્યા હલ કરવા કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે.

બે મહિનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા
વાંકાનેર શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર જ્યાં ચારથી વધુ રસ્તા પસાર થાય છે, ત્યાં બે મહિનામાં 3થી વધુ અકસ્માત સર્જાયા છે જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. અગ્રણીઓએ સ્થળ તપાસ કરી હતી અને અકસ્માત થવા પાછળ ટ્રક ચાલકોની બેફિકરાઈ સાથે હાઇવે પર આડેધડ પાર્કિંગ કરતા પેસેન્જર વાહનો જવાબદાર છે છતાં આ કોઇ નક્કર કાર્યવાહી કરાતી નથી. ત્યારે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...