વાંકાનેર તાલુકાના એક સેવાભાવી વર્ષોથી સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરી સમાજને નવી રાહ ચિંધી રહ્યા છે. મૂળજીભાઇ ગેડિયા નામના આ સેવાભાવીએ તાજેતરમાં જ 73મો જન્મદિવસ ઉજવ્યો છે અને આ ઉંમરે પણ તેઓ સતત એક યુવાનની જેમ કાર્યશીલ રહ્યા છે. તેઓ છેલ્લા 40 વર્ષથી સમાજમાં સામાજિક જાગૃતિ માટે સરકારી કચેરીઓ મારફત નશાબંધી, સમાજ કલ્યાણ લોન સહાય, આરોગ્ય કેમ્પ, રાષ્ટ્રીય નેતાની જન્મ જયંતિ વગેરે જેવી શિબિરોનું આયોજન કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ સરકાર દ્વારા બહાર પડાતી સરકારી યોજનાઓથી લોકોને માહિતગાર કરે છે અને બનતી તમામ મદદ કરે છે.
સરકારના અલગ-અલગ ખાતાઓ દ્વારા અનેક યોજનાઓ બહાર પડતી રહેતી હોય છે. પરંતુ ઘણીવાર માહિતીના અભાવે અને ઘણી વાર શિક્ષણના અભાવે લોકો જે-તે સરકારી યોજનાઓનો લાભ મેળવવાથી વંચિત રહી જાય છે. આ પ્રકારની જે-તે યોજનાઓને યોગ્ય વર્ગ સુધી પહોંચાડવાનું કામ આ સેવાભાવી મૂળજીભાઇ કરે છે.
તેઓ જે-તે સંબંધિત યોજનાના ફોર્મ હજારોની સંખ્યામાં ગરીબ-પછાત વર્ગના પરીવારો સાથે રહી વિનામૂલ્યે ભરી આપી લાભ અપાવી રહ્યા છે. સેવાભાવી મૂળજીભાઇ બે ટર્મ સુધી નગરપાલિકામાં કાઉન્સિલર સભ્ય તરીકે ચૂંટાઇ ચૂક્યા છે. તેઓ આટલી વયે પણ સેવા કેન્દ્રનું સંચાલન કરી લોકોની સેવા કરી રહ્યા છે.તેઓ કહે છે કે જ્યાં સુધી શરીર ચાલશે ત્યાં સુધી આ સેવા કાર્ય હું છોડીશ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.