વાંકાનેર તાલુકામાં આવેલા જગવિખ્યાત માટેલ ધામ મંદિર જવાના મુખ્ય રસ્તે આવેલા પુલની રેલીંગ તૂટેલી હાલતમાં હોઇ ગમે ત્યારે જીવલેણ અકસ્માત થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. ત્યારે તંત્ર તાકીદે રેલિંગની મરામતની કામગીરી પૂર્ણ કરે તેવી પ્રજાજનોની માંગ છે.
માટેલ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માટેના મુખ્ય માર્ગ પર ભાણેજીયા વોંકળા પરના પુલની એક બાજુની રેલીંગ તૂટેલી હાલતમાં છે. જે તાજેતરના ચોમાસા દરમિયાન તૂટી હતી. અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર કાળજી રાખવી પડે છે, જો વાહન ચાલક જરા પણ કચાશ રાખે તો સીધા ઊંડા ખાડામાં વાહન ખાબકે તેવી સ્થિતિ છે.
માટેલ ખાતે ખોડીયાર માતાજી ના મંદિરે વર્ષ દરમ્યાન અનેક નાના મોટા ધાર્મિક કાર્યક્રમો થાય છે તેમજ દર રવિવાર , મંગળવાર તેમાં પૂનમે મોટી સંખ્યામાં દશનાર્થીઓ માતાજીના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આ પુલ પર ટ્રાફિક સમસ્યા પેદા થાય છે. આ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને સત્વરે રેલીંગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ સમસ્યા દૂર થઈ નથી.
સરપંચ મુનાભાઈ દુધરેજીયાએ માર્ગ મકાન વિભાગના અધિકારી ચૌધરીને આ બાબતથી વાકેફ કરવા ફોન લગાવ્યો, પરંતુ જાડી ચામડીના અધિકારી પાસે ફોન રીસિવ કરવા જેટલો પણ સમય ન હતો. અધિકારી જો સરપંચને પણ ઘોળીને પી જતા હોય તો આમ જનતાની કોણ સાંભળે! બીજી તરફ મામલતદારે સરપંચને એવી સલાહ આપી હતી કે માટેલ મંદિરના સહયોગથી રેલીંગ બનાવી લેશો! હવે જોવાનું એ રહ્યું કે તંત્ર જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલાં પુલની રેલીંગ બનાવશે કે અકસ્માતની રાહ જોશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.