કોરોના મહામારી બાદ માનવ જિંદગી સાથે ચેડા કરવા અનેક બોગસ તબીબો હાટડા ખોલીને બેસી ગયા છે ત્યારે મોરબી એસઓજી ટીમે ઢૂવા ચોકડી નજીક માનવ ક્લિનિકના નામે માનવ જિંદગી સાથે ચેડાં કરતા બનાસકાંઠાના મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી લઈ વાંકાનેર પોલીસ હવાલે કર્યો હતો.
મોરબી એસઓજીની ટીમે વાંકાનેર તાલુકાના ઢુવા ગામની ચોકડી નજીક માટેલ રોડ ઉપર શકિત ચેમ્બર્સમાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી તેમજ અનુભવ વિના માનવ ક્લિનિક નામનું દવાખાના ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર મૂળ બનાસકાંઠા જિલ્લાના કાકરેજના વતની અને હાલ રફાળેશ્વર નજીક રહેતો કિર્તીભાઇ ડુંગરભાઇ ડોડીયાને ચોક્કસ બાતમી આધારે એસઓજી ટીમે કાર્યવાહી કરી ઝડપી લીધો હતો.
મોરબી એસઓજી ટીમે નકલી ડોક્ટરન ભોગવટાવાળા માનવ ક્લિનિક નામના દવાખાનામાં દર્દીઓની સારવાર કરવા માટે રાખવામાં આવેલી જુદી જુદી એલોપેથી દવાઓ કિ.રૂ. ૨૬,૦૮૨ તથા રોકડા રૂપિયા ૧,૭૦૦ તથા સાધનો મળી કુલ રૂપિયા ૨૭,૭૮૨ ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી તેની સામે વાંકાનેર પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિશનર એકટની જુદી-જુદી કલમો મુજબ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.