મોરબી વાંકાનેર હાઇવે પર અને વાંકાનેર પાસે આવેલી સિરામીક ફેકટરીમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીના આધારે શહેર પોલીસ ત્રાટકી હતી અને જુગારના પટ ખોલીને બેઠેલા પુંજીપતિઓના રંગમાં ભંગ પાડી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યના પતિ સહિત 6 ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી સાડા ત્રણ લાખનો મુદામાલ કબજે લીધો હતો.
વાંકાનેર સિટી પોલીસના પીઆઇ એચ.એન. રાઠોડ, પીએસઆઇ બી.ડી. જાડેજા, ડી સ્ટાફ સહિતની ટીમે શનિવારે રાત્રીના સમયે બાતમીના આધારે વાંકાનેરના વઘાસિયા ગામની સીમમાં આવેલી પ્લુટો સિરામીક ફેકટરીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે આ ફેકટરીમાં જુગાર રમતાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ અસ્મીતાબેન ચીખલિયા ( જિલ્લા પંચાયતના વર્તમાન સદસ્ય તથા કારોબારી સમિતિના ભાજપના સભ્ય )ના પતિ કિશોર ચીખલીયા ઉપરાંત જયદીપભાઇ મનજીભાઈ કાલરીયા , રાજેશભાઈ કરસનભાઈ આદ્રોજા, ઉમેશભાઈ ચંદુભાઈ જાકાસણીયા , રાજેશભાઈ પ્રાગજીભાઈ કાસુન્દ્રા તથા વિપુલભાઈ જગદીશભાઈ કોરિયાને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી કુલ રોકડા રૂ.3,50,000 અને મોબાઈલ મળી કુલ રૂ.3,63,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.