વાંકાનેરમાં પીર મશાયખ હોસ્પિટલ ખાતે રહેતા અને બહારગામ ગયેલા ડોક્ટરના બંધ મકાનમાંથી 13 લાખની ચોરી થઇ હતી. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે જેના આધારે તસ્કરના સગડ મેળવવા અને ફરિયાદ દાખલ કરવા સહિતની તજવીજ LCBએ આરંભી છે.
વાંકાનેર શહેરમાં સિટી સ્ટેશન રોડ પર આવેલી પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અને હોસ્પિટલના ત્રીજા માળે રહેતા ડો. સાજીદ પાસલીયાના બંધ મકાનમાં ત્રાટકીને ચોરોએ અંદાજીત 13 લાખની રોકડ રકમની ચોરી કરી હતી. પરત આવ્યા બાદ તબીબને ચોરીની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ચોરીની ઘટનામાં ડોક્ટરના ઘરમાંથી માત્ર ૫૦૦ રૂપિયાના દરની અંદાજે ૧૩ લાખની નોટોની જ ચોરી થઇ છે. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે ઘરમાં ૧૦૦ તથા ૫૦ રૂપિયા વાળી નોટ જેમની તેમ મળી આવી હતી તેમજ ઘરેણાં પણ હેમખેમ મળી આવ્યા હતા.ચોરી કરનાર અજાણ્યો શખ્સ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હોઇ પોલીસે હાલ મોઢે બાંધેલા અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.
અજાણ્યા શખ્સે ડોક્ટરના મકાનમાં છાના પગે પ્રવેશ કરી ડુપ્લીકેટ ચાવી વડે કબાટ ખોલી રોકડ રકમની ચોરી કરી હોવાની વાત બહાર આવી છે. તબીબના ઘરમાં આટલી મોટી રકમ ઘરે રાખવાની બાબતમાં પીઆઇ રાઠોડે જણાવ્યું હતું કે ડોક્ટરે એવી કેફિયત આપી છે કે તેમના ઘરમાં પાંચ લાખ રૂપિયા હતા અને આઠ લાખ રૂપિયા અન્ય પાસેથી મંગાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.