ટંકારાના અમરાપર રોડ ઉપરાંત શીતળા માતાજી મંદિર તરફ ધાર તરીકે ઓળખાતા વિસ્તારમા અલગ અલગ ત્રણેક સ્થળોએ ઘણા વર્ષોથી વસતા અતિ ગરીબ અને પછાત વર્ગના શ્રમિક સહિતના સાધારણ પરીવારોને જીવન જીવવા માટે અતિ મહત્વની સુવિધા ગણાય એવુ પીવાનુ પાણી ન મળતું હોવાથી લોકોની પરેશાનીમાં ઔર વધારો થયો હતો.
અને પાણી ઉપરાંત રોડ રસ્તાઓ, ગટર જેવી સુવિધાઓથી વંચિત પરિવારોની વ્યથા જોઇ સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ તંત્ર સામે બાંયો ચડાવી હતી અને આંદોલનની ચીમકી આપતાં તંત્ર ઘૂંટણીયે પડ્યું હતું અને પાણીની વ્યવસ્થા કરતાં પરિવારોમાં ખુશીની લહેર ફરી વળી હતી.
ઉગમણા દરવાજાના અમરાપર રોડ તરફ વસવાટ કરી રહેલા ચારેક પરિવારો ૭૫ વર્ષથી પીવાના પાણી માટે ચોતરફ ભટકી રહ્યા હોવા છતાં અહી તેની દરકાર લેવાતી ન હોવાનો વસવસો હતો. આ પરિવારોની લાચાર સ્થિતિ જોઈ ટંંકારાના સામાજીક કાર્યકરે તંત્રનો કાન આમળી પાયાની સુવિધાઓ આપવાની માંગણી કરી અને પરિવારોની દરકાર ન લેવાય તો તંત્ર સામે આંદોલનનુ બુંગીયુ ફુંકવાની જાહેરાત કરતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું.
અને ઘર આંગણે પીવાનુ પાણી પહોંચાડતા અહીં વસતા પરિવારોની આંખો ખુશીથી છલકાઇ હતી. પીવાનુ પાણી પહોંચતુ કરવાની કામગીરીના પ્રારંભ પ્રસંગે સરપંચ ગોરધનભાઈ ખોખાણી, ગ્રા.પં. સભ્યો દામજીભાઈ ઘેટીયા, અરજણ ઝાંપડા, શાંતિલાલ ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જમીનમાં દબાણનું કાર્ડ ખેલવા કોશિશ
ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટીએ સ્થાનિક કાર્યકર અને બ્રહ્મસમાજની રજૂઆત બાદ પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવાના બદલે એક તબક્કે આ પરિવારોએ સરકારી જમીન ઉપર દબાણ કર્યાનો રીપોર્ટ કરી જવાબદારીમાંથી છટકી જવા સરકારી જમીનમાં દબાણનુ કાર્ડ ખેલી રોળાં નાંખવા પ્રયાસ કરાયો હતો.
પરંતુ ટીડીઓ હર્ષવર્ધનસિંહ જાડેજાએ સૈનિક પરિવાર પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી તમામ લોકોને પીવાનુ પાણી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહી ખરા અર્થમા હમદર્દ બન્યા હોવાનુ સૈનિક પરિવારે જણાવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.