સદનસીબે જાનહાની ટળી:ટંકારા પાસે નિર્માણાધિન ઓવરબ્રિજ ઉપર રેલિંગ તોડી ટ્રક મોત બની લટકી

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલકની ગફલતથી ટ્રક ખાબકતાં સહેજમાં બચી, પુલ નીચે નાસભાગ

રાજકોટ - મોરબી હાઈવેને ફોર લેન બનાવવાની કામગીરી લગભગ છેલ્લા સાડા ચાર વર્ષથી રગશીયા ગાડાની ગતિએ ચાલી રહી છે. જે પૂર્ણ થવાનુ નામ લેતી ન હોવાની સાથે લોકો સુવિધા મળવાની ખુશીને બદલે અસહ્ય યાતનાથી ગળે આવી ગયા છે. માર્ગ મકાન વિભાગ અને હાઈવે એજન્સીની મિલી ભગતથી લોકોને સુવિધાની ખુશીને બદલે અસહ્ય યાતનાથી મુક્તિ ઝંખતા હોવાની ટંકારા તાલુકામા કાયમી મચતી કાગારોળ મચતી રહે છે. મંગળવારે હાઈવે પર નિર્મિત થતા ઓવરબ્રિજ ઉપર ટ્રકના ચાલકની ગફલતથી બેલેન્સ ગુમાવતા રાહદારીઓ ઉપર ટ્રક જાણે મોત બની ઝળુંબતું થઇ જતાં હાઈવે પર પસાર થતા વાહનો રાહદારીઓ સહિત નજરે જોનારાઓના શ્વાસ ઘડીભર થંભી ગયા હતા.

રાજકોટ મોરબી ફોરલેનનુ કામ લગભગ છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલી રહ્યુ છે. જેમા, ટંકારા ખાતે લતીપર ચોકડી ઉપર ઓવરબ્રિજ નિર્માણ થઇ રહ્યું છે. પરંતુ ઓવરબ્રિજ બનતો હોવા છતા કામ ચાલુ થયુ ત્યારથી નીતિ નિયમો નેવે મૂકીને નિયમ મુજબ પાકો સર્વિસ રોડ બનાવાયો નથી. ઉપરાંત નવા મઢાયેલા હાઈવેનુ કામ કેવું હશે તેની ચાડી ખાતા ઠેર ઠેર મસ મોટા ગાબડા હાલ દેખાય રહ્યા છે. હાઈવે પર પસાર થતા વાહનો, રાહદારીઓ સહિતના સ્થાનિકો ઓવરબ્રિજની સુવિધા મળવાની ખુશીને બદલે અસહ્ય યાતનાથી વાજ આવી ગયા છે.

સ્ટેટ હાઈવે પર ટંકારા ખાતે ઓવરબ્રિજ ઉપર સવારે ટેન્કર ચાલકની ગફલતથી ટ્રકે બેલેન્સ ગુમાવતા ઓવરબ્રિજ ઉપર ઓચિંતા જ ધમાકો થયો હતો અને મોતના કૂવા પર ટ્રક લટકતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બ્રિજ ઉપર લટકતા ટ્રકના દ્રશ્યો જોતા ઘડીભર તો નીચે પસાર થનારા માથે મોત લટકતું હોવાથી નાસભાગ મચી ગઈ હતી. આના પરથી સ્પષ્ટ થયું હતુ કે, કામ કરતી એજન્સીને તંત્ર કેટલાં થાબડભાણા કરી રહ્યું છે. ૬૫ કિમી.ના રાજકોટ -મોરબી હાઈવેના નવિનીકરણનું કામ સરકારે લગભગ ચાર અબજ રૂપિયાનો ખર્ચ કરી વિકાસ કાર્યને વેગ આપ્યો છે. સદનસીબે જાનહાની ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...