ઊમદા કાર્ય:મહાપુરુષોની યશોગાથા ચિરંજીવ રાખવા ટંકારાના વાઘગઢની ગલીઓને રાષ્ટ્રરત્નોનું નામકરણ કરાયું

ટંકારાએક મહિનો પહેલાલેખક: મિત ત્રિવેદી
  • કૉપી લિંક
  • શિક્ષકે પોતાની કર્મભૂમિ પ્રત્યેની લાગણીને રાષ્ટ્ર ભાવના સાથે જોડી અભિયાન સાકાર કરવા બીડું ઝડપ્યું

છેવાડાના નાનકડા ગામડામા રાષ્ટ્રીય નિર્માણમા મહત્વનો ફાળો આપનારા રાષ્ટ્રીય પુરૂષોની રાષ્ટ્ર ભાવના લોક હ્રદયમા કાયમી પ્રજ્વલિત રહે એવા ઉદેશથી ટંકારાના નાનકડા વાઘગઢ ગામે પ્રાથમિક શિક્ષકે ગ્રામજનોની મદદથી ગામડાની ગલીઓને ઈતિહાસ ઉજાગર કરતા ભારતના અમૂલ્ય રત્નો સમા રાષ્ટ્રના મહાપુરૂષોનું નામ કરણ કરી સપુતોની ગાથા કાયમ જીવંત રાખવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.

ટંકારા તાલુકાના ખોબા જેવડા નાનકડા પણ સમૃધ્ધ ગણાતા વાઘગઢ ગામે પ્રાથમિક શાળાના શિક્ષક રમણીકભાઈ વડાવીયા પોતાની ફરજ સાથે કર્મભૂમિ પ્રત્યે અનોખો લગાવ ધરાવે છે. ગામડા પ્રત્યે લગાવથી પંતુજીએ ગામડાના લોકોનો વિશ્વાસ સંપાદન કરી ગામડાની ગલીઓને રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન આપનારા દેશ અને પ્રદેશના અમૂલ્ય રત્નો જેમકે મહર્ષિ દયાનંદ સરસ્વતી, વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, વિર ભામાશા સહિતના બહુમુલા ઈતિહાસકારોના નામકરણ કરવાની નેમ વ્યક્ત કરી ગામડાની ગલીઓનું નામકરણ કર્યું હતુ.

આ સરાહનીય કાર્યથી શાળાના ભૂલકાંઓ સાથે ગામડાના લોકોમા પણ રાષ્ટ્રીય ભાવના કાયમી પ્રજ્વલિત થાય અને ગામઠી લોકોમા પણ રાષ્ટ્રીય ભાવનાનુ સિંચન કરવા શિક્ષકે આદરેલા આ અભિયાનનો ખર્ચ ગામડાના જાગૃત કાનજીભાઈ છત્રોલાએ ઉઠાવ્યો હતો. નાનકડા ગામમા પ્રા.શિક્ષક તરીકે ફરજ બજાવતા વડાવીયાએ થોડા સમય પૂર્વે અગાઉ શાળાના પ્રાંગણમા ઔષધિય અને ઉપયોગી વનસ્પતિનુ વાવેતર કરી ઉદ્યાનનું નિર્માણ કર્યું હતું.

માસ્તરના બાગમા ભૂલકાઓમા અભ્યાસ અને ગમ્મત સાથે જ્ઞાન વિકસે અને રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય એ માટે દેશના મહામુલા રત્નો જડવામા આવ્યા હતા. જેમાં શહીદવીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, મહારાણી લક્ષ્મીબાઈ, ગુરૂ ગોવિંદસિંહ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ સરસ્વતી, સરદાર પટેલ સહિતના વિભૂતિઓની ગાથા સાથે પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...