સરકારનો નિર્ણય:ટંકારા, જબલપુર વચ્ચેના નવા વિસ્તારને મળી આર્યનગરની ઓળખ, ગ્રામપંચાયત અપાશે

ટંકારા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17થી વધુ સોસાયટીના 1200થી વધુ લોકોને મળશે સુવિધાઓ

ટંકારા શહેરના જામનગર હાઈવે પર ટંંકારા અને જબલપુર ગામ વચ્ચે નિર્માણ પામેલી અનેક સોસાયટીઓ રેવન્યુ રેકર્ડના રકબા પ્રમાણે જબલપુરના રે.સ.મા આવતી હોવાથી જબલપુર ગ્રામ પંચાયતની હકુમતમા આવતી હતી.

પરંતુ અહીંયાના રહીશોને જીવન જરૂરિયાતની સુવિધા મેળવવામા મોઢે ફીણ આવી જતા હોવાની અનેક રાવ સરકારના કાને પહોંચતા સરકારે અલગ ગ્રામ પંચાયત આપવાનો હુકમ કરતા હવે ટંકારા સાથે સીધુ જોડાણ ધરાવતો વિસ્તાર હવેથી આર્યનગર ગામથી ઓળખાશે. અલગ ગ્રામ પંચાયતની મંજૂરીની મહોર લાગતા ટંંકારા તાલુકામા નવા ગામને મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ધ્યાનમા રાખીને આર્યનગર નામકરણ કરાયુ હોવાનુ જાણવા મળ્યું છે.

રાજકોટ મોરબી અને જામનગર એમ ત્રણ જિલ્લાની ત્રિભેટે આવેલો ટંંકારા તાલુકો જુવાન બની ૨૫ વર્ષનો થયો છે. ત્યારે અહીના જામનગર હાઈવે કાંઠે અત્યાર સુધી એક પ્લેટફોર્મ ઉપર બે ગ્રામ પંચાયતનુ શાસન ચાલતુ હતુ. જેમા, જમણા હાથે ટંંકારાનો બાહ્ય વિકાસ થઈ લક્ષ્મીનારાયણ નગર, વૈભવ નગર, પટેલ નગર સોસાયટીઓ નિર્માણ પામી છે. અહીંયા વિજળી,પાણી, ગટર અને સફાઈ સુવિધાઓ આપી કરવેરો ટંંકારા ગ્રા.પં. ઉઘરાવે છે. તો, ડાબા હાથે સરદારનગર, ધર્મ ભક્તિ, હરીઓમ નગર,બાલાજી પાર્ક સહિતના વિસ્તારોમાં જબલપુર ગ્રા.પં. માળખાકીય સુવિધાઓ પુરી પાડીને કરવેરા ઉઘરાવે છે.

ટંંકારા અને જબલપુર બંને ગામોની વચ્ચે ઘણા લાંબા સમય પૂર્વે આકાર પામેલી અનેક સોસાયટીઓના રહીશોને પાયાની અનેક સુવિધાઓ સગવડો મેળવવામા રીતસરના મોઢે ફીણ આવી જતા હતા. અહીયા વસનારાઓની વિટંબણા એ હતી કે, ટંંકારાના હાઈવે કાંઠે વસવાટ પરંતુ અહીંયા સરકારી રેવન્યુ રેકર્ડના રકબા પ્રમાણે રેવન્યુ સ.નં. જબલપુરનો હોવાથી હકુમત જબલપુર ગ્રામ પંચાયતની ચાલે.

આ પરિસ્થિતિ વચ્ચે વર્ષ 2019થી અલગ ગ્રામ પંચાયત મેળવવા અહીયા વસતા નાનજીભાઈ મેરજાએ બીડું ઝડપ્યું અને સતત બે વર્ષ સુધી સરકાર મા રજુઆતો કરતા સરકારના કાને બે ગામડા વચ્ચે લટકતા લગભગ ૧૨૦૦ થી વધુ લોકોની સંવેદનાનો અવાજ પહોંચતા રાજય સરકારે ટંકારા શહેરની બોર્ડર ઉપર વસેલી જબલપુર ગામના રેવન્યુ સર્વે નંબર ધરાવતી જુદી-જુદી ૧૭ જેટલી સોસાયટીઓને શહેર કે ગામડાની પાયાની સુવિધાઓ આપવા અલગ ગ્રામપંચાયત ફાળવી હતી.

જેમા, સ્થાનિક સમસ્યાઓ અંગે પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અંગત રસ દાખવી મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિને ધ્યાનમા રાખી આર્યનગર નામકરણ સાથે નવી ગ્રામ પંચાયતને મંજુરીની મહોર મારીદીધી હતી.

સોસાયટીઓનો આર્યનગરમાં સમાવેશ કરાશે
નવા આર્યનગર ગામમા હરિૐ નગર-1, હરિૐ નગર-2, બાલાજી પાર્ક, ક્રિષ્ના પાર્ક, ધર્મભક્તિ સોસાયટી, અયોધ્યાપુરી સોસાયટી, દેવનગર, રાજધાની પાર્ક, સ્વામીનારાયણ નગર, અવધ પાર્ક, આર્યનગર, પ્રભુનગર સોસાયટી, સરદારનગર-1, સરદારનગર-2, સરદારનગર-3, શ્યામ પાર્ક, મહાલક્ષ્મી પાર્ક વગેરે સોસાયટીઓનો સમાવેશ કરાયો હતો.

અત્યાર સુધી આ વિસ્તાર જબલપુર ગ્રામ પંચાયત હકુમત હેઠળ નવાપરા વિસ્તાર તરીકે ઓળખાતો હતો. હવે, સરકારે નવી ગ્રામ પંચાયત મંજુર કરતા અહીંયા નવુ ગામ આર્યનગરથી નજીકના ભવિષ્યમા ઓળખાશે.

જબલપુર ગ્રામપંચાયતની ચૂંટણી સ્થગિત રહેવાની શક્યતા
આગામી દિવસોમા આવી રહેલી ગ્રામ પંચાયતની ચુંટણી વખતે જ જબલપુરથી નવું ગામ અલગ થતા અહીના મતદારો હાલ ચાલી રહેલા મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત પોતાનુ મતદાન ગામમાંથી કમી કરાવવા મથી રહ્યા છે. જો તેઓના નામ કમી થાય, આ મતદારો નવા ગામે મતદાર યાદીમા નામ ઉમેરવાની માગણી કરી રહ્યા છે.

તેઓ અડગ રહે તો હાલ જોતા નવી સ્થિતિ પ્રમાણે જબલપુર ગ્રામ પંચાયતની ચુંટણી હાલ પુરતી મુલત્વી રાખવાની નોબત આવે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જબલપુરની મતદાર યાદી કમી કરી નવા આર્યનગરની મતદાર યાદી તૈયાર કર્યા બાદ બંને ગામડાનું ભવિષ્ય ઘડવાનું કાર્ય હાલ તો વહીવટી તંત્રના શિરે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...