હાઇવે ઓથોરિટીની પોલ છતી:ટંકારા વાયા ધ્રોલ જામનગર હાઈવે ભારે વરસાદથી ધોવાયો

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણીની થપાટો ઝીલી રસ્તાએ શરણાગતિ સ્વીકારી. - Divya Bhaskar
પાણીની થપાટો ઝીલી રસ્તાએ શરણાગતિ સ્વીકારી.

સોમવારે પડેલા મુશળધાર વરસાદથી ટંકારા તાલુકા મથકથી ધ્રોલ - જામનગરને જોડતા હાઈવે પર ખાખરાના પુલ પાણીની થપાટોથી સંપૂર્ણપણે તુટી ગયો છે. સોમવારે રાજકોટ- જામનગર સહિત ટંકારામા પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી મુશળધાર વરસાદ પડયો હતો. ભારે વરસાદથી ચોતરફ પાણી ફરી વળ્યા હતા. એવી રીતે અનરાધાર પડેલા વરસાદથી ટંકારાથી ધ્રોલ - જામનગર ને જોડતા હાઈવે પર ખાખરા ગામ પાસે આજી નદી પસાર થતી હોવાથી હાઈવે પર વર્ષો પૂર્વે બંધાયેલા પુલની દિવાલ ઠેકીને પાણી હાઈવે પર ફરી વળ્યા હતા.

રાત્રે મેઘરાજાએ વિરામ લીધા બાદ મંગળવારે હાઈવે પર પાણી ઓસરતા નદીના ધસમસતા પાણીના પ્રવાહની થપાટો ખાઈ ને ખાખરા પુલ પર ટંકારા ધ્રોલ હાઈવે સંપૂર્ણપણે તુટી પડી મગરની પીઠ જેવો બની ગયો છે. હાઈવે ઓથોરિટીના નબળા કામથી વરસાદ અભિશાપ બન્યો હોય એવો તાલ સર્જાયો છે. જો કે, મુશળધાર વરસાદથી પંથકના ઘણા વિસ્તારોમા ખાનાખરાબી સર્જાયી છે. ધસમસતા પાણીના પ્રવાહથી હાઈવે પર પોપડા ઉખાડી દેવા સાથે 11 કેવી વિજ લાઈનના થાંભલા પણ પાણીના પ્રવાહ મા તણાઈ ગયા છે.

આબરૂ બચાવવા તંત્રના પ્રયાસો
ટંકારા વાયા ધ્રોલ જામનગર હાઈવે પર પગપાળા પણ ચાલવુ મુશ્કેલ બન્યુ હતું ત્યારે માર્ગ મકાન તંત્રની આબરૂ એક ઝાટકે ધોવાઇ ગઇ છે. ત્યારે માર્ગ મકાન વિભાગે તાબડતોબ સમારકામ હાથ ધરી ધોવાયેલી આબરૂ બચાવવા પ્રયાસ આદર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...