રાજકારણ:લખધીરગઢમાં સરપંચે ધરી દીધું રાજીનામું

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે ગામમાં અત્યાર સુધી ક્યારેય ચૂંટણી જ નથી થઇ ત્યાં ‘રાજકારણ’નો પગપેસારો

ટંકારાના ખોબા જેવડા લખધીરગઢ ગામને રાજકીય ગ્રહણ લાગ્યુ હોય એમ વર્ષોથી સમરસ થતી ગ્રામ પંચાયતના સરપંચે ગામડામાં બે જૂથ વચ્ચે ચાલતી ગંદી રાજરમતથી કંટાળી અચાનક જ રાજીનામુ ધરી દેતા રાજકારણ ગરમાયું છે. ટીડીઓએ રાજીનામું મંજુર કરી લીધું છે અને મહિલા ઉપસરપંચને ચાર્જ સુપરત કર્યો છે.

ટંકારા તાલુકાની ભાગોળે આવેલા અને એકાદ હજારની વસતી ધરાવતા લખધીરગઢ ગામમાં પંચાયતીરાજ હતું ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ નથી. ગામના તમામ લોકો જ બેઠક યોજી સરપંચ, ઉપસરપંચ સહિતના સભ્યોનું કોરમ નક્કી કરી બિનહરીફ વરણી કરી લે છે. એ મુજબ સરપંચ પદ અનામત બેઠકના ફાળે જતા ગ્રામજનોએ સરપંચ પદે ગ્રામ પંચાયતના પટાવાળા તરીકે ફરજ બજાવતા મગનલાલ નાનજીભાઈ વિઠલાપરાને સરપંચ પદનું સુકાન સોંપ્યું હતું.

જો કે, એ વખતે જ ઉપસરપંચ પદ માટે બે જૂથ વચ્ચે ખેંચતાણ થઇ હતી અને અમુક લોકોની સમજાવટ બાદ મામલો આંશિક થાળે પડ્યો હતો, પરંતુ મગનલાલે ઓચિંતા અચાનક તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રાજીનામુ ધરી દેતા આ મુદ્દે સમગ્ર તાલુકામા ભારે ખળભળાટ મચ્યો હતો. ટીડીઓ હર્ષવર્ધનસિંહ જાડેજાએ રાજીનામુ મંજૂર કરી મહિલા ઉપસરપંચ ધર્મિષ્ઠાબેન ઢેઢી ને ચાર્જ સુપ્રત કર્યો હતો.

જો કે આ અંગે સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે ઉપસરપંચ પદ માટે બે જૂથ વચ્ચે ઉભા થયેલા વૈમનસ્યના બીજ ધીમે ધીમે ઉગી નીકળ્યા છે અને એટલે જ સરપંચે મેલી રાજરમતથી અંતે કંટાળીને રાજીનામું ધરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...