કાર્યવાહી:ટંકારા તાલુકામાં સીસીસીના બોગસ પરિણામ રજૂ કરનાર બે શિક્ષક દંપતીને પોલીસનું તેડું

ટંકારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા આપ્યા વગર જ ઉચ્ચતર પગારધોરણનો લાભ લેવા શિક્ષક દંપતીએ ખોટા પ્રમાણપત્ર આપ્યા હતાq

સમાજને શિક્ષિત કરવાની જવાબદારી જેઓ વ્યવસાય રૂપે સ્વીકારે છે અને તેઓ જ સમાજને કલંક લાગે તેવું કામ કરે ત્યારે ચોતરફ ફિટકાર વરસે એ સ્વાભાવિક છે. ટંકારા તાલુકાના શિક્ષક દંપતી કે જેઓ શિક્ષક સંઘના હોદેદારો પણ છે તેમણે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લેવા સીસીસીની પરીક્ષા આપ્યા વગર ખોટા પ્રમાણપત્ર રજૂ કરી સરકારી લાભ લઇ લીધો હતો. શિક્ષણ વિભાગને આ બાબતની જાણ થવા છતાં હજુ તેમની સામે કોઇ કાયદાકીય પગલાં લેવાયા નથી પરંતુ દંપતી સહિત ચારને પોલીસનું તેડું આવતાં આ મુદો ચર્ચાનો વિષય બન્યો છે.

રાજ્યસરકારે દરેક કર્મચારીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન અને સામાન્ય કુશળતા મળી રહે તે માટે આ વિષય ફરજિયાત કર્યો છે. પરંતુ અહીંના શિક્ષક દંપતીએ પરીક્ષા પાસ કરીને પગાર વધારો મેળવવાને બદલે સરકારને ચુનો ચોપડવા ખોટા પ્રમાણપત્રો ઉભા કરીને ઉચ્ચતર પગાર વધારો મેળવી લીધો હતો. બે માસ પહેલાં આ આખું ત્રાગું બહાર આવ્યું હતું. જે તે સમયે આ ચાર શિક્ષકો સામે ફરિયાદ થઇ હોવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરાઇ ન હતી, પરંતુ રહી રહીને ટંકારા પોલીસ હરકતમાં આવી છે.

ચાર્જમાં રહેલા એએસપી અભિષેક ગુપ્તાને ધ્યાને આખો મામલો આવતાં તેમણે બોગસ સર્ટિફિકેટ કાંડમાં સંડોવાયેલા ચારેય શિક્ષકોને તેડું મોકલ્યું છે. શિક્ષકો પાસે પોલીસ કેટલું લેશન કરાવી શકે છે અને કેવું લેશન કરાવશે તે તો પૂછપરછ પત્યા બાદ બહાર આવશે.

તાબડતોબ સીસીસી પરીક્ષા પણ પાસ કરી લેવાઇ હોવાની ચર્ચા જે તે વખતે બોગસ પરિણામના આધારે સેવાપોથીમાં નોંધ કરાવી લીધાનું શિક્ષકોનું ભોપાળું છતું થતાં તાબડતોબ બે જ મહિનામાં આ શિક્ષકો સીસીસીની પરીક્ષા પાસ કરીને ઉત્તીર્ણ થઇ ગયાનું પણ શિક્ષકગણમાંથી જાણવા મળ્યું છે.

કેવી રીતે આચરાયું કૌભાંડ?
વર્ષ 2013માં ઓનલાઇન જાહેર થયેલા સીસીસીની પરીક્ષાના ઉત્તીર્ણ ઉમેદવારોની યાદીની પ્રિન્ટ કાઢી લઇ આ દંપતીએ સાચા પાસ થયેલા ઉમેદવારોના નામ હટાવી પોતાના નામ ઉમેરી દઇ આ યાદી કચેરીમાં મોકલી આપી હતી અને તેના આધારે ઉચ્ચતર પગાર મેળવી લીધો હતો.

આખો મામલો શું છે?
સીસીસી પરીક્ષા આઇટીઆઇ મારફતે લેવાતી હોય છે. જે આપવાને બદલે ટંકારાના લજાઇના સીઆરસી કોર્ડિનેટર અને શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઇ બચુભાઇ સાણજા, વીરપર શાળામાં ફરજ બજાવતા તેમના પત્ની છાયાબેન મુળજીભાઇ મકાસણા, ગણેશપર શાળાના આચાર્ય વિરમભાઇ ખોડાભાઇ દેસાઇ અને તેમના પત્ની ગંગાબેન રામજીભાઇ દેસાઇ સહિતોએ પાસિંગ પરિણામમાં પોતાના નામ ચડાવીને બોગસ પરિણામના આધારે સીઆરસી શિક્ષકને સાધી લઇને નોંધપોથી પડાવી લીધી હતી અને ગાંધીનગર ખાતે લોકલફંડ મંજુર કરાવી સરકારને ચૂનો ચોપડી દીધો હતો. આ અંગે આરટીઆઇ કરવામાં આવતાં આખો ભાંડાફોડ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...