‘પ્રાણ’ની પરવા:ટંંકારાના બંગાવડીમાં ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાશે, વાવેતર, ઉછેર અને જતન કરવા ગામલોકોનો સંકલ્પ

ટંંકારા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
જમીન સમથળ બનાવવાનું શરૂ. - Divya Bhaskar
જમીન સમથળ બનાવવાનું શરૂ.
  • 16 વીઘા બંજર જમીનમાં વ્યક્તિદીઠ વૃક્ષનું ઉપવન બનાવાશે

કોરોના મહામારીએ કુદરતી પ્રાણવાયુ (ઓક્સિજન)ની કિંમતનુ ભાન કરાવી દીધુ છે. કોરોનાના દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતા કૃત્રિમ રીતે પ્રાણવાયુ પુરો પાડવામા સરકાર રીતસર હાંફી ગઈ હતી. અનેક લોકો કોરોનાની સેકન્ડ વેવમાં ઓક્સિજન વગર ભારે તરફડીયા મારીને મોતને ભેટયાનુ જોયા જાણ્યા પછી ટંકારાના બંગાવડી ગામના ગ્રામજનોએ ભાવી પેઢીના ભવિષ્યની ચિંતા કરીને ગામડામા વસતી એટલા વૃક્ષ વાવીને ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો અને ગ્રામ પંચાયત હસ્તકની પડતર જમીનને સમથળ કરવાની કામગીરી પણ આરંભી દીધી છે.

આવતા અઠવાડિયે અહી વૃક્ષારોપણ કર્યા બાદ વૃક્ષોના ઉછેર અને જતન કરવા માટે ટીમ પણ બનાવી લેવામા આવી છે.બંગાવડી ગામમાં ઓક્સિજન પાર્ક બનાવવાનું નક્કી થતાં સરપંચ જીજ્ઞેશભાઈ દેત્રોજાએ સરાહનીય વિચારને વધાવી લઈ ગ્રામ પંચાયત હસ્તકની સ.નં. ૪ ની ખુલી પડતર પડેલી સોળ વિઘા જમીન ઓક્સિજન પાર્ક (વૃક્ષોનું ઉપવન) બનાવવા ફાળવી દીધી હતી.

હાલ અહીયા સરપંચ ઉપરાંત, ઉપસરપંચ કૃષ્ણસિંહ જાડેજા, પ્રફુલભાઈ દેત્રોજા, રણછોડભાઈ મેંદપરા, દામજીભાઈ દેત્રોજા, ઠાકરસીભાઈ દેત્રોજા, પરેશભાઈ દેત્રોજા, અરવિંદભાઈ દેત્રોજા, વિનોદ દેત્રોજા, ગણેશ દેત્રોજા, દિલીપ સોરીયા, રસીક દેત્રોજા, વિરજીભાઈ મેંદપરા, વસંત દેત્રોજા સહિતના તમામ ગામડાના સેવાભાવી મિત્રોએ સાથે મળીને પથરાળ અને વખંભર પડેલી ખડબચડી જમીનને સમથળ કરવાની કામગીરી આરંભી દીધી છે.

જમીનને રસાળ અને વૃક્ષો ઉગવા લાયક બન્યા બાદ અહીંની વસતી ૨૨૦૦ હોય વ્યક્તિદીઠ વૃક્ષ વાવવાનું આયોજન કરેલ છે. અને વૃક્ષારોપણ કર્યા બાદ વૃક્ષોના જતન અને ઉછેર સહિતની જવાબદારી ગામડાના ૩૫થી વધુ કાર્યકરોની ટીમે સ્વૈચ્છીક સંભાળવા તૈયારી બતાવી છે.

કોરોનાએ ભાવિ પેઢીની ચિંતા કરતા શિખવ્યું: સરપંચ
બંગાવડી ગામના સરપંચ જીજ્ઞેશભાઈ દેત્રોજાએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી એ ઓક્સિજન નુ મહત્વ સમજાવ્યુ હતુ. હાલ શહેરો સહિત ગામડામા પણ જગયાની લ્હાયમા વૃક્ષોનુ નિકંદન નિકળતા કુદરતી, શુધ્ધ હવાની ઉણપ ‌ઉભી થઈ હોવાનો નજારો જોયો છે. આપણે જેટલો (પ્રાણવાયુ) ઓક્સિજન કુદરતી રીતે મેળવીએ છીએ એટલા પ્રમાણમાં વૃક્ષ ચોક્કસ ઉછેરવા જોઈએ. ભવિષ્યની ચિંતા કરીને ગામડામા ૧૬ વીઘા જમીનમા હેમગીરીબાપુ ઓક્સિજનપાર્ક નિર્માણ કરવાનો ગામડાનો સંકલ્પને વિકસાવવા માટેનો નિર્ધાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...