તસ્કરી:લજાઇ ચોકડી પાસે ચડ્ડી બનિયાનધારી ગેંગનો તરખાટ, ચાર ફેક્ટરીમાંથી એક લાખની મતાની ચોરી

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કર ટોળકી CCTVનું રાઉટર જ ઉઠાવી ગયા, છતાં અન્ય કેમેરામાં કેદ

ચોરીના બનાવોને ધડાધડ અંજામ આપી તસ્કર ગેંગ તરીકે પંકાઈને ઘણા સમયથી અલિપ્ત બની ગયેલી ચડ્ડી બનીયાન ધારી ટોળકી જેવી તસ્કર ગેંગ ટંકારા તાલુકામા દેખા દેતા લોકોમા ભારે ફફડાટ ફેલાયો છે. તાજેતરમાં લજાઈ ગામ પાસે આવેલી ચારેક ફેક્ટરીમા મધરાતે આ ટોળકી ત્રાટકી હતી અને ચોરીને અંજામ આપ્યાની ઘટના પ્રકાશમા આવી છે. જોકે, ચોરીના બનાવને બે’ક દિવસ વિતવા છતા હજુ પોલીસ ફરીયાદ નોંધાઇ નથી. ચોરી કરવા આવેલી શાતિર દિમાગની ટોળકીએ ફેક્ટરીમા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા તોડી અને રાઉટર ઉપાડી ઓળખ છૂપાવવા પ્રયાસ કર્યા હતા.તેમ છતાં એક સ્થળે તિસરી આંખમા સ્પષ્ટ કેદ થયા છે.

જેના આધારે ટોળકીનું પગેરું દબાવવા તજવીજ આરંભાઇ છે. ટંકારા તાલુકામા લજાઈ રોડ ઉપર તસ્કરી કરવામા ઝનુની અને માસ્ટર માઈન્ડ ગણાતી ચડ્ડી બનીયાન ધારી ગેંગ ત્રાટકી હતી.તસ્કર ટોળકીએ ચારેક નાની મોટી ફેક્ટરીમા વટભેર પ્રવેશ કરીને ધંધા ઉધોગ એકમોના ટેબલ કબાટ ફંફોસી લગભગ એકાદ લાખ જેટલી રોકડ રકમની ચોરીને અંજામઆપ્યો હતો. જો કે, મધરાતે ત્રાટકેલા પાંચેક જેટલા નિશાચરોને માત્ર રોકડ રકમમા જ રસ હોય એમ અન્ય સામાનને હાથ પણ લગાડ્યો નહોતો. ચોરી કરવા આવેલી ગેંગને પોલીસનો લેશમાત્ર ખોફ ન હોય એમ બે ફેક્ટરી ધમધમતી હોવા છતા ઓફિસમા પહોંચી ચોરીને અંજામ આપ્યો હતો.

આ વખતે એક મજૂર દેખી જતા ખોફ બતાવી ધમકાવી ચોરી કરી એટલો સમય બાનમા રાખ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે ઝીકોબા,સોક્સ, મોરબી એન્જિનિયરીંગ અને સિલ્વર રિસાયકલ નામના ચારેક કારખાનામા ચોરીની ઘટના બની હોવાનુ ભોગ બનનાર પૈકીના મહેશભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતુ. જો કે, એક સાથે ચાર ફેક્ટરી તસ્કરીનું નિશાન બની હોવાના બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

તેમ છતા આ મામલે ભોગ બનનાર પૈકીના કોઈએ હજુ સુધી વિધીવત પોલીસ ફરિયાદ ન નોંધાવતા આશ્ચર્ય સર્જાયું છે. જોકે, ચબરાક તસ્કરો પોલીસને ગુમરાહ કરવા ચડી બનીયાન ડ્રેસ કોડ ધારણ કર્યો કે અસલી જ ટોળકીએ દેખા દીધી એ રહસ્ય પોલીસ પડદો ચિરે ત્યારે જ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...