ઘટનાનો ભાંડાફોડ:ટંકારામાં 10 લાખની ખંડણી માટે વેપારીને ગોળી ધરબી દેવાના કેસમાં એક પકડાયો

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંડણીખોરોએ મૃતકના પુત્ર પાસેથી ખંડણી માગવાનું ચાલુ રાખતા ફસાયા

ટંકારામા વેપારી પાસેથી ખંડણી વસુલવાના ઈરાદે પાન-બીડી, સોપારીના હોલસેલરને મોઢામા બંદુકનું નાળચુ પરોવીને પતાવી દેવાયા બાદ આશ્ર્ચર્ય જનક રીતે ડોક્ટર કે પરીવાર ઉપરાંત પોલીસને પણ ન ખબર પડતા ખંડણીખોરોએ વટક વારવા મૃતક પ્રૌઢના પુત્રને ફોન કરી દસ લાખની ખંડણી માટે તારા બાપને પતાવી દીધાની અને સાથે જ અન્ય એક ઈલેક્ટ્રોનિક ઉપકરણો રીપેરીંગનો વ્યવસાય કરતા આધેડને પણ પાંચ લાખની ખંડણી માટે ફોન કરતા સમગ્ર ઘટનાનો ભાંડાફોડ થયા બાદ પોલીસે તપાસ કરી એક શખ્સને દબોચી લીધો હતો.

અઠવાડિયા પૂર્વે ટંકારામા પાન બીડી સોપારીનો હોલસેલ ધંધો કરતા મૂળ ટંકારાના કલ્યાણપર ગામના વતની હાલ ધર્મભક્તિ સોસાયટીમા રહેતા સવજીભાઈ કકાસણિયા બપોરના 4 વાગ્યે દુકાને બેઠા હતા. બજારો સુમસામ ભાસતી હોય એવા સમયે બેભાન થઈ ઢળી પડવાની કોઈ ના ધ્યાને આવતા તેમના પુત્ર સહિત મોરબી ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જયા ડોક્ટરે પણ બ્રેઈન સ્ટ્રોક આવ્યાનુ કહી પરત મોકલી દીધાં હતા. બાદ મૃત્યુ બાદની તમામ વિધી પરીવારે પૂરી કરી લીધી હતી.

હવે, બીજી તરફ ગોળી ધરબી દેનારાઓને પણ કાંઈ વળ્યુ નહી હોવાથી મૃતક પ્રૌઢ વેપારીના પુત્ર અરવિંદ કકાસણીયાને ફોન કરી તારા બાપને ખંડણી માટે પતાવી દીધાનુ કહી દસ લાખ આપવા માંગણી કરી હતી. જો નહી આપે તો તારા બાપ જેવા હાલ કરવાની ધમકી આપતા પ્રથમવાર તો અરવિંદે કાન ન દીધો પરંતુ ત્યારબાદ અનેક વખત ફોન ઉપર સરકીટ હાઉસ પાસે દસ લાખની બેગ પહોંચાડવા કહેવામા આવતા પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસ હજુ સોગઠાં ગોઠવવાની પેરવીમા હતી ત્યાં અન્ય અશોકભાઈ મોહનભાઈ મુંછાળા નામના ઈલેક્ટ્રોનિક ઉપકરણો રીપેરીંગનો વ્યવસાય કરતા આધેડ પોલીસ મથકે આવી પોતાની પાસે કોઈ અજાણ્યા ફોન કરી પાંચ લાખની માંગણી કરતા હોવાની ફરિયાદ સાથે પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. ખંડણીખોરોને પકડી પાડવા અરવિંદને નાણા (કાગળના ટુકડા)નો થેલો લઈને સરકીટ હાઉસ મોકલી ખાનગીમા વોચ ગોઠવી હતી.

પરંતુ કોઈ આવ્યા નહોતા પરંતુ અજાણ્યુ બાઈક બે-ત્રણ લટાર મારી પસાર થતા પોલીસે અજાણ્યા બાઈક ચાલક અને અજાણ્યા શખ્સો ઉપર બરાબરની વોચ ગોઠવી હતી. અને એક યુવાન લતીપર ચોકડી પાસે ઠંડા પાણીના પ્લાન્ટ પાછળ તમામ હરકતોનુ નિરીક્ષણ કરતો માલુમ પડતા તેને ઉઠાવી લઈ પૂછપરછ કરતા એ શખ્સે વટાણા વેરી નાંખ્યા હતા. અને પોતે થેલો લેવા આવ્યાની કબુલાત આપતા ધરપકડ કરી હતી.

પોલીસના હાથે ઝડપાયેલો શખ્સ મૂળ મહારાષ્ટ્રનો હોવાનુ અને હાલ ટંકારામા પિઓ ડ્રિકિંગ વોટર પાછળ, લતીપર ચોકડી પાસે રહેતો યોગેશ રવિન્દ્ર પાવરા (ઉ.વ.21) હોવાની ઓળખ આપી હતી. જોકે, પોલીસે પાવરા પાસેથી આખો ખેલ જાણી લીધો હોવાનુ જાણવા મળ્યું છે અને ખંડણીખોરો પૈકીના ત્રણ તો હજુ કાચી ઉંમરના હોવાનુ જાણવા મળ્યું છે અને ટોળકીના બધા શખ્સ ટુંકા રસ્તે પૈસા બનાવવા ગુનાખોરીની દુનિયામાં પગ મુકવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. જોકે, સમગ્ર ઘટના ઉપરથી પરદો સવાર સુધી માં ઉંચકાય જવાની શક્યતા વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...