ચોર-લુટારા બેફામ:ટંકારા નજીક ફાઇનાન્સ કંપનીના કર્મચારીને પછાડી દોઢ લાખની લૂંટ

ટંકારા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘુનડા ગામથી વાંકાનેરના અદેપર ગામ તરફ જતા કાચા માર્ગ પર બનાવ બન્યો
  • ભર બપોરે બાઈક પર ધસી આવી બે યુવાન કર્મચારીને લૂંટીને ફરાર થઇ ગયા

ટંકારા તાલુકાના ઘુનડાથી વાંકાનેરના અદેપર ગામ તરફ જતા કાચા માર્ગ ઉપર મંગળવારે બપોરે ધોમધખતા તાપમા ફાયનાન્સ કંપનીમાં કામ કરતો યુવાન બાઈક પર પસાર થઈ રહ્યો હતો. એ વખતે ડબલ સવારી મોટર સાયકલ ધસી આવ્યું હતું અને યુવક કંઈ સમજે એ પૂર્વે બંને શખ્સએ તેને બાઈક પરથી પછાડી દઈ દોઢેક લાખ જેટલી રકમનો થેલો ઝુંટવી લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. પંથકમા ખરા બપોરે લૂંટની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે.

હાલ સુર્ય નારાયણના રૌદ્ર રૂપથી ધરતી પરના તમામ જીવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોર પડતા જ જનજીવન રીતસર થંભી જાય છે. આવા સમયે ધોમધખતા આકરા તાપમા મંગળવારે બપોરે એકાદ વાગ્યે ટંકારા તાલુકાના અંતરીયાળ ઘુનડા-સજનપર ગામથી વાંકાનેર તાલુકાના અદેપર ગામ તરફ જતી કાચી સડક પર ફાઈનાન્સ કંપનીમા કામ કરતા સંદીપ હીરાભાઈ ડાભી નામનો યુવાન કામ સબબ પોતાના બાઈક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ચિતા જેવી ઝડપે મોટર સાયકલ ઉપર બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા.

સંદિપ કંઈ સમજે એ પૂર્વે બંને શખ્સોએ તેને બાઈક પરથી નીચે પછાડી દીધો હતો. રોડ ઉપર નીચે પડવા છતા પોતાની પાસે રહેલો રોકડ ભરેલો થેલો હાથમા પકડી રાખ્યો હતો. પરંતુ લૂંટના ઈરાદે આવેલા બંને હરામખોરોએ રોકડ રકમ ભરેલો થેલો બળજબરીથી ખુંચવી લીધો હતો અને લુંટ ચલાવી નાસી ગયા હતા.

આ લુંટનો ભોગ બનેલો યુવાન જેમતેમ કરીને ટંકારા પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા ટંકારા પોલીસે જિલ્લા કંટ્રોલરૂમને બનાવની જાણ કરી નાકાબંધી કરાવી હતી. પરંતુ લૂંટને અંજામ આપનારા ધોમધખતા આકરા તડકાના સન્નાટાનો લાભ લઈ હાલ ભોંભીતર થવામા સફળ રહ્યા હતા.

જાણવા મળ્યા પ્રમાણે થેલામા દોઢેક લાખ રોકડા હોવાનુ હાલ જાણવા મળ્યું છે. તેમજ યુવકે પોલીસને થેલો આંચકી અલોપ થઈ ગયેલા બંને શખ્સોનો દેખાવ, પહેરવેશ અને મોટરસાયકલ પર છપાયેલા અક્ષર સહિતનુ વર્ણન વર્ણવતા ટંકારા પોલીસે શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...