તવારીખી ઇતિહાસ:ટંકારા બેઠક પર મનોહરસિંહ અપક્ષ જીત્યા હતા

ટંકારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશુભાઇ અહીંથી જીતી ના. મુખ્યમંત્રી બન્યા હતા, અહીં જ મહિલાને પણ તક અપાઇ’તી

મોરબી જિલ્લાની મહત્વની અને પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી ટંકારા બેઠકનો તવારીખી ઇતિહાસ રોચક છે. વર્ષ 1962માં રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજા અપક્ષ લડ્યા હતા અને જીત્યા હતા તો જે તે સમયે કેશુભાઇ પટેલે અહીંથી લડીને વટભેર જીતીને નાયબ મુખ્યમંત્રી પદ મેળવ્યું હતું. નોંધનીય છે કે આ બેઠક પર 3 વાર કોંગ્રેસ, 2 વાર અપક્ષ અને 7 વાર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે.

મજાની વાત તો એ છે કે, આ બેઠક પર રાજકોટના વર્તમાન સાંસદ સળંગ પાંચ વખત ચુંટાયા છે અને એક વખત મંત્રી બનવાનુ ભાગ્ય સાંપડ્યુ હતુ. સહકારી ક્ષેત્રના વલ્લભભાઈ પટેલ પણ ચુંટણી જીતી મિનીસ્ટર બનવાનુ સદભાગ્ય પ્રાપ્ત કરી ચુક્યા છે. 2017માં અનામત આંદોલનની અસરથી બહુ વખતે કોંગ્રેસને ફટાકડા ફોડવાનો વારો આવ્યો હતો.

બેઠકનું જ્ઞાતિ આધારિત સમીકરણ
આ બેઠકમાં મોરબી તાલુકાના 49 ગામડા ઉપરાંત, લોધિકાનુ એક અને ધ્રોલ તાલુકાના બે ગામ મળી પાંચ તાલુકાના ગામના કુલ 1,28,177 પુરૂષો અને1,21,327 સ્ત્રીઓ મળી કુલ2,49,504 મતદારો ધરાવતી ટંકારા વિધાનસભા બેઠકમા 1.40 હજાર જેટલા પાટીદાર, 17 હજાર ક્ષત્રિય, 20 હજાર દલિત, 15 હજાર મુસ્લિમ, 15 હજાર માલધારી, 12 હજાર સવર્ણો (બ્રાહ્મણ, લોહાણા,જૈન) 10 હજાર કોળી સહિતના‌ મતદારો હોવાથી પાટીદારના પ્રભુત્વ વાળી બેઠક ગણાય છે. મુખ્ય વ્યવસાય ખેતી છે.

આટલી સુવિધા પહેલાં હતી, હવે નથી
1. બે દશકાથી ટંકારા વિસ્તારમાં આર્યુવેદીક કોલેજ અને રેલવે સુવિધા બંધ થઈ.
2. અગાઉ ધમધમતુ બસ સ્ટેશન બંધ થયું.
3. જણસની લે-વેચ અને ખેત પેદાશ ચીજો, શાકભાજીની હરાજી થતી એ માર્કેટયાર્ડ બંધ થયું.
4. સિવિલ હોસ્પિટલમા 25 વર્ષથી એમ.ડી.કક્ષાના તબીબ અધિક્ષકની જગ્યા ખાલી છે.
5. રમતવીરોને પ્રોત્સાહન મળે એવુ એક પણ મેદાન નથી.
6. ઉદ્યોગોને પ્રોત્સાહનનો અભાવ, તાલુકા લેવલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, સિંચાઈના પ્રશ્નો પજવે છે.
7. અનિયમિત વીજળી, રોડ-રસ્તા, ઓવરબ્રિજના સર્વિસ રોડ મુદ્દે કાગારોળ છતાં કાર્યવાહી નહીં.
8. મહત્ત્વની ટ્રેઝરી કચેરી, ફાયરબ્રિગેડ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી.

અહીંથી વલ્લભભાઇ પટેલ મંત્રી બન્યા’તા
૬૬ ટંકારા વિધાનસભા બેઠક પર ૧૯૮૫માં સ્વ.‌ વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ સરકારમાં ચુંટાઈને આરોગ્ય મંત્રી બન્યા હતા. ૧૯૯૦માં દિવંગત કેશુભાઈ પટેલ ચુંટાઈને ભાજપ શાસનના પ્રથમ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે, મોહનભાઈ કુંડારીયાને ગ્રામ વિકાસ મંત્રી બનવાનુ સદભાગ્ય આ બેઠક પર સાંપડ્યુ હતુ. મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિના કારણે અહીંયા લોખંડી લેડી ગણાતા તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજ નેતાઓ મુલાકાત લઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...