સદભાવના:જબલપુરમાં પંખીપ્રેમીઓએ મોરનું જતન કરવા ઉપવનને ફેન્સિંગથી રક્ષિત બનાવ્યું

ટંકારા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાંત સ્થળે વિહરવા ટેવાયેલા 40થી વધુ પંખીનું આ છે કાયમી રહેઠાણ

ટંકારા તાલુકાના જબલપુર ગામ અહીંના પંખીપ્રેમીઓની લાગણીથી જાણીતું છે, અહીં રાષ્ટ્રીય પંખી મોર માટે ખાસ ઉપવન ગામડાના લોકોએ સાથે મળીને રચી દીધું છે અને દૈનિક તેનું ભાવથી જતન થઇ રહ્યું છે એ બાબત તો જૂની બની ગઇ, કોરોના કાળમાં પણ મોર પરિવારોના જતનની પરંપરા ચાલુ જ રહી, સાથોસાથ પંખીઓની સલામતી અને સુરક્ષાને કોઇ આંચ ન આવે તે માટે ઉપવનને ખાસ ફેન્સિંગથી મઢી દઇને પંખીપ્રેમીઓએ પોતાની માવજતને અલગ જ ઉંચાઇ આપી છે.

અહીંના પંખી પ્રેમીઓએ મોરની સરાહનીય સંભાળ લઈ મોરને વિહરવા માટે પુરતી આઝાદી મળે તે માટે ફેન્સિંગ વોલ બનાવવા માટે ગામમાંથી સ્વૈચ્છિક ફંડ ઉઘરાવ્યું હતું અને હવે તેમાંથી મોરની જાળવણી થઇ રહી છે. અહીં ગામડાના ભાભાઓ સવાર-સાંજ મોરને દાણા-પાણી નિયમીત પણે પિરસવાનુ ચુકતા નથી.

મહષિઁ દયાનંદ જન્મભૂમિના ટંકારા તાલુકાની બગલમા આવેલા નાનકડા જબલપુર ગામના પાદરમા લોકોનું ધ્યાન ગયું કે દરરોજ સાંજે વૃક્ષો પર આશ્રય લેવા અસંખ્ય મોર આવી પહોંચે છે આથી તેમનો પંખી પ્રેમ જાગી ઉઠ્યો અને પાદરમાં જ સ્મશાનગૃહ પાસે મોરની વ્યવસ્થિત જાળવણી થાય એ માટે તન ઘસીને ખાસ મોર ઉપવન નિર્માણ કર્યુ હતુ.

હાલ મોરવનમા લગભગ ૨૮ જેટલી ઢેલ અને ૧૨ જેટલા મોર સ્વૈચ્છિક આઝાદીથી આશ્રય લઈ રહ્યા છે. કરસનબાપા પાડલીયા મળસ્કે સવારે અને સાંજે રાષ્ટિૃય પક્ષી માટે નિયમિતપણે ચણ માટે દાણા અને પાણીની કુંડી સ્વચ્છ કરી ભરવાની જવાબદારી સેવા ભાવથી સ્વૈચ્છાએ સંભાળે છે. મોરને મગફળીના દાણા વધુ પ્રિય હોવાથી દરરોજ માંડવીના દાણાની ચણ અપાય છે.

મોર પક્ષીને શાંત વાતાવરણ ગમતુ હોવાથી તેની ખેવના કરી ગામડાના મોભી પૂર્વ સરપંચ ગોરધનભાઈ ગડારા, અમૃતલાલ મનજી ફેફર, મનુભાઈ પાડલીયાના માર્ગદર્શન હેઠળ સુભાષ ભાલોડીયા, આશિષ કાનાણી, નૌતમ ગડારા, ૠષિ પાણ, સંજય પાણ,નિલેશ ગડારા, હરેશ ફેફર, ભૌતિક ફેફર સહિતના ગામડાના યુવકો પોતાની વ્યસ્ત જિંદગીમાંથી રોજ સમય કાઢીને મોરની પરિવારના સભ્યોની જેમ જ દેખભાળ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...