સમસ્યા:ટંકારામાં ઈમિટેશન ઉદ્યોગની માઠી, કામ ન મળતા કારીગરોની આજીવિકાને વિપરીત અસર

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાજ્ય વહીવટ ઠપ થતાં ઘરે બેસી કામ કરતા નાના ધંધાર્થીઓની રોજી છીનવાઇ‎

ઈમિટેશન ઉદ્યોગનુ હબ ગણાતા ટંકારા તાલુકામા ઈમિટેશનના અનેક પ્રકારના દાગીના બને છે અને અહીં તાલુકામાં બનેલા દાગીનાનું અનેક રાજ્યોમા વેચાણ થઈ રહ્યું છે. કોરોનાની કળ વળી ત્યાં ઓમિક્રોનના હાઉથી ટંકારાના ઈમિટેશન ઉદ્યોગને ભારે ફટકો લાગ્યો છે. કોરોના હળવો પડયા બાદ ધંધાની ગાડી ધીમે-ધીમે પાટે ચડી ધંધામા રોનક આવી હતી.ત્યાં ફરી અન્ય રાજ્યોમા ઓમિક્રોનના ફુંફાડાએ ઘરેલુ ઉદ્યોગને ભારે માઠી અસર ઉભી કરી છે. આયાત નિકાસ બંધ થતા હાલ કાયમ ધમધમતા ઘરેલુ ઉદ્યોગને બ્રેક લાગી ગઈ છે. જેથી ઘરે બેઠાં કામ કરી રોજી રળતા કારીગરો અને નાના ધંધાર્થીઓની રોજગારી છીનવાઈ ગઈ છે.

ટંકારા તાલુકામા ઈમિટેશનના અનેક દાગીના ગૃહ ઉદ્યોગમાં બની રહ્યા છે. મુખ્યત્વે રાખડી, મંગળસુત્ર, ડોકીયા, પાયલ, બુટી, હાંસડી, નથડી, મગમાળા સહિતના અનેક આભૂષણો બનાવવામાં આવે છે. જે દેશના વિવિધ રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર, તેમજ પંજાબ અને રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમા વેચાણ થઈ હોવાથી વેપારીઓને જથ્થાબંધ માલ બનાવવા મસમોટા એડવાન્સ ઓર્ડર મળે છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ કનડી નાના પાયે ધંધો કરતા લઘુ ઉદ્યોગકારો અને ઘરે બેઠાં કામગીરી કરતા કારીગરોની હાલત કફોડી બનાવી દીધી હતી.

ફરી કોરોના કાબુમા આવ્યાના પગલે ધીમે-ધીમે ઈમિટેશન ઉદ્યોગમાં રોનક આવી અને ધંધાની ગાડી પાટે ચડી રહી હતી ત્યા ફરી ઓમિક્રોનની દહેશતથી ફરી કામ ધંધા ઠપ્પ થઈ જતા નાના ધંધાર્થીઓની અને ઘર આંગણે રોજી રળતા કારીગરોને માઠી અસર થઈ છે. હાલ અન્ય રાજ્યોમાથી આવતા રો મટિરિયલ્સમાં ભાવવધારો થતાં આયાત ઘટવાથી અને ઓમિક્રોનના હાઉથી ઓર્ડર બંધ થતા મંદી આવી જવાથી કારીગર વર્ગને ખાસ્સી અસર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...