હાલાકી:મિતાણા પાસે નિર્માણાધીન બ્રિજની નીચે એક સાઈડ બંધ કરાતા વાહનચાલકોને પરેશાની

ટંકારા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓવરબ્રિજની નીચે એક સાઇડ બંધ કરાતા વાહનચાલકોની માઠી. - Divya Bhaskar
ઓવરબ્રિજની નીચે એક સાઇડ બંધ કરાતા વાહનચાલકોની માઠી.
  • નવનિર્માણ પામી રહેલા હાઇવે પર સર્વિસ રોડ બનાવ્યા વગર જ ઓવરબ્રિજનું કામ થઇ રહ્યું છે

નવા જ મઢાઈ રહેલા રાજકોટ - મોરબી હાઈવેની ફોર લેન બનાવવાની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. હાલ હાઈવે પર બનતા ત્રણ ઓવરબ્રિજનુ કામ ચાલુ છે. ત્યા મિતાણા ખાતે નવનિર્મિત થતા બ્રિજ ની એક સાઈડમા સર્વિસ રોડ ઘણા સમયથી કોઈ મુદ્દે ઘોંચમા પડયા બાદ ઓચિંતી આ કામગીરી બંધ થતા બંને તરફ આવન જાવન કરતા વાહનો એક બાજુ પસાર થતા અહીં છાસવારે ટ્રાફિક જામ થવા ઉપરાંત અકસ્માતો સર્જાવાની સમસ્યા માથાનો દુઃખાવો બની છે. છતા તંત્ર નક્કર નિવારણ લાવવાને બદલે વાહનચાલકો સહિત હાઈવે પર પસાર થનારાની અવદશાનો આનંદ લુંટતી હોય એવા દ્શ્યો જોતા એજન્સી તંત્રને થાબડભાણા કરતુ હોવાના સવાલો ઉઠવા પામ્યા છે.

લગભગ સાડા ચાર વર્ષથી રાજકોટ મોરબી હાઈવેનુ કામ રગશીયા ગાડાની જેમ ચાલી રહ્યુ છે.હાઈવે પર મોરબી બાયપાસ, ટંંકારા અને મિતાણા પાસે ત્રણ સ્થળે ઓવરબ્રિજના કામ પણ નીતિ નિયમો નેવે મુકીને સર્વિસ રોડ બનાવ્યા વગર ધબેડાઈ રહ્યા છે. ઓવરબ્રિજની બે સાઈડ કાચો માર્ગ બનાવી સર્વિસ રોડ બનાવાયો હતો. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી અહીં એકાએક ઓચિંતા સર્વિસ રોડની એક સાઈડ બંધ કરી દેવામા આવી છે. પરીણામે કાયમી ટ્રાફિક જામ થાય છે. જેનાથી પસાર થતા વાહનચાલકો ઉપરાંત વટેમાર્ગુઓ માટે અહીંથી પસાર થવુ માથાનો દુઃખાવો બન્યુ છે.

૬૫ કીમી.ના રાજકોટ -મોરબી હાઈવેનુ નવિનીકરણ કરવાનુ કામ સરકારે લગભગ ચાર અબજ રૂપિયા ખર્ચ કરી વિકાસ કાર્ય ને વેગ આપ્યું છે. પરંતુ કામમા ખુલ્લેઆમ ભષ્ટ્રાચારની ગંગોત્રી વહાવી તંત્ર, સરકારની આબરૂનું લીલામ થઈ રહ્યુ હોય એવો નજારો જોવા મળે છે.

જમીન સંપાદનનો મુદ્દો પેન્ડિંગ
મિતાણા ઓવરબ્રિજની એક સાઈડ બંધ કરી દેવા મુદ્દે માર્ગ મકાન તંત્રના ઓથોરીટી એન્જિનિયર ધીરૂભાઈ બાસીદાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અહીં હાઈવે નજીક ખેતીની જમીન ધરાવતા ખેડુતની જમીન સંપાદન કરવાનો મામલો પેન્ડિંગ હોય નિકાલ માટે હાલ સમગ્ર પ્રકરણ પ્રાંત અધિકારી પાસે પેન્ડિંગ હોવાથી મુશ્કેલી ઉભી થઈ છે. જે ટુંક સમયમા ઉકેલાઈ ગયા બાદ ફરી બંને સાઈડ કાર્યરત કરવામા આવશે એમ જણાવ્યુ હતુ.

એજન્સીને છાવરવાની નીતિ
હાઈવેના કામ મુદ્દે પ્રજામાંથી વેદનાના સુર ઉઠયા છે, પરંતુ રજુઆતો બહેરા કાને અથડાયાની અનુભૂતિ જનતા કરી ચુકી છે. નવા હાઈવે વચ્ચે ગાબડા પડવા, થિગડા મારવાની નીતિથી અનેક વાહનચાલકો અકસ્માતે પટકાતા રહે છે. તંત્ર એજન્સીને છાવરવાની શંકા ઉપજાવતી નીતિની ટીકા સાથે પ્રજામાં રોષની લાગણી ફેલાયી છે.

અન્ય સમાચારો પણ છે...