સૂર્યનારાયણ કોપાય માન થયા હોય એમ સમગ્ર સૌરાષ્ટ્ર પર રૌદ્ર રૂપ વર્તાવી રહ્યા છે. અસહ્ય આકરો તાપ હાલ પડી રહ્યો છે. ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચતા ટંકારા તાલુકો અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યો છે. આગ ઝરતી લુથી જનજીવન આકુળ-વ્યાકુળ થઈ રહ્યું છે.
કાળઝાળ ગરમીથી બચવા લોકો નીત નવા નુસખા અપનાવી રહ્યા છે. ત્યારે ટંકારાના વેપારીઓએ સુર્ય દેવના આકરા તેવર થી બચવા બજારોમા કપડાનો સહારો લઈ તંબુઓ બાંધ્યા છે. જેથી બજારમા નિકળતા ખરીદદાર ગ્રાહકો અને પોતાની જાતને રાહત આપી શકે અને તાપથી બચી શકે.
ટંકારાના પ્રજાજનો ગરમીથી રીતસર અકળાઈ ઉઠ્યા છે. બપોરે ધોમધખતા તાપ વચ્ચે આકાશથી સતત ગરમ લુ વરસે છે. પંખા સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ ગરમીથી બચાવી શકવામાં વામણા પુરવાર થતા હોય એવી અનુભૂતિ લોકો અનુભવી રહ્યા છે. લૂ ને કારણે લોકો કામ સિવાય ઘરની બહાર પગ મુકતા નથી.
આકરા તડકાથી નગરના મુખ્યમાર્ગો બજારો સુમસામ ભાસે છે. પરંતુ નાછૂટકે બજારમાં આવતા લોકોને ગરમીનો અસહ્ય અનુભવ ન થાય તે માટે ટંકારાના વેપારીઓએ લીલા તંબુ બાંધવાનો નુસખો અપનાવી છાંયડો કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.