તજવીજ:ટંકારાના હડમતિયા ગામમાં થયેલી ઘરફોડ ચોરીમાં સામેલ ટોળકી સકંજામાં

ટંકારા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કલાકોમાં જ તસ્કરોને ઝડપી લીધા, રોકડ કબજે લેવા તજવીજ

ટંકારા તાલુકાના હડમતીયા ગામે સ્થાનિક ખેડૂત સાથે સમજૂતી કરી ભાગવી ખેતીનુ કામ મહેનત કરીને પેટીયું રળવા આવેલા પરપ્રાંતિય શ્રમિક પરિવારે કપાસ વેચાણના આવેલા નાણાં પોતાના સીમમા આવેલા ખેતરની ઓરડીમા સંઘરી રાખ્યા હતા. જે કમાણી તસ્કરો ઉઠાવી જતા ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે મજૂર પરીવારની વ્યથાને પામીને માત્ર ૨૪ કલાકમાં તસ્કર ગેંગને પકડી પાડી હતી.

ટંકારા તાલુકાના જડેશ્વર રોડ પર આવેલા હડમતીયા ગામના અશ્વિન ધનજી રાણસરીયાની ખેતીની જમીનમા ભાગવી ખેતીકામ સંભાળી મહેનત કરી પેટીયું રળવા આવેલા બાબુ દુલાભાઈ મોહનીયા નામના શ્રમિક પોતે ખેતરમાં જ્યાં કામ કરતા હતા, ત્યાં જ આવેલી ઓરડીમા પરીવાર સાથેવસતા હતા.

ખેતરમા કપાસની ઉપજ આવતા તેનુ વેચાણ કરી રૂપિયા ૮૧,૫૦૦/- ખોલીમા સંઘરી રાખ્યા હતા. પરંતુ ચોરો શ્રમિકની મહેનતની પુંજી ચોરી કરી નાસી ગયા હતા. પોતાની કાળી મજૂરીના ખનખનીયા તસ્કરો બઠાવી જતા મજૂર પરીવાર પર આફત આવી પડી હતી.

બનાવની રાવ ટંંકારા પોલીસમા કરાતા પોલીસે સિમાડા ફંફોસી માત્ર ૨૪ કલાકમા તસ્કર ગેંગને પકડી પાડી હતી. અને મૂળ દાહોદ જિલ્લાની ચકીબેન મુકેશ પરમાર નામની પરપ્રાંતિય મહિલાને ઘુનડાની સીમમાથી ઉઠાવી કડક પૂછપરછ કરતાં તેણે વટાણા વેરી નાખ્યા હતા અને અન્ય ત્રણ તસ્કરોના નામ આપતાં પોલીસે ગુલાબ રામસીંગ બાંભણિયા હાલ ખાનપર તથા ગોરધન હિમા બામણીયાને રાત્રે જ ઉપાડી લીધા હતા. જ્યારે ચોરીને અંજામ આપી નાસી છૂટેલા રાજુ અલીસીંગ મંડોર સજોઈ તા.ધાનપુર જી.દાહોદને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ રોકડા રૂપિયા કબજે લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...