ટંકારામાં આઠ મહિના પહેલા પાન બીડીના એક વેપારીની દસ લાખની ખંડણી ઉઘરાવવાના ઇરાદે હત્યા કરી દેવાઇ હતી. આ હત્યાકાંડમાં હત્યારાઓને હથિયાર સપ્લાય કરનાર આરોપી ફરાર હતો. પોલીસને બાતમી મળી હતી કે, આ પરપ્રાંતીય હથિયાર સપ્લાયર ગુજરાતમાં છે. બાતમીના આધારે પોલીસે ફરાર આરોપીને દબોચી લીધો હતો. અને કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયો હતો. 6 એપ્રિલના ટંકારામાં પાન-બીડી-સોપારીના હોલસેલ વેપારી સવજીભાઈ કકાસણીયા(કલ્યાણપર ગામના)ની દસ લાખની ખંડણી વસૂલવા બાબતે ગોળી ધરબી હત્યા કરી દેવાઇ હતી.
આ હત્યાકાંડમાં ખંડણીખોરોને હથિયાર સપ્લાય કરનાર શખ્સ મધ્યપ્રદેશનો હોય આઠ માસથી પોલીસના રડારમાંથી ફરાર હતો. ટંકારા પોલીસને આ આરોપી અમદાવાદમાં હોવાનું લોકેશન મળતા પીએસઆઇ હરેશભાઈ હેરભાએ મનીષ સોનાસીંગ યાદવને ઝડપી લઇને આરોપીને વધુ રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ રીમાન્ડ નામંજૂર થતા જેલ હવાલે કરાયો હતો. પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાસ્પદ બનેલા ખંડણી મર્ડર કેસમાં અગાઉ પ્રિન્સ જીતેન્દ્રભાઈ અઘારા, હર્ષિત બેચરભાઈ ઢેઢી સહિત ત્રણની જે તે સમયે ધરપકડ કરી લેવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.