મુશળધાર વરસાદ:ટંકારામાં 24 કલાકમાં ચાર અને વાંકાનેરમાં બે ઇંચ વરસાદ

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ સહિતના ઉપરવાસમા પડેલા મુશળધાર વરસાદ સાથે ટંકારા તાલુકામા પડેલા ત્રણ ઈંચ વરસાદથી તાલુકાના મિતાણા ગામે ડેમી-1 ડેમમા પાણીની આવક વધતા હાલ 72 ટકા ડેમ ભરાઈ જતાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા હોય તંત્રએ ડેમ હેઠળ આવતા ગામડાના લોકોને નદી નાળા વિસ્તારમા નહી જવા અને સાવચેત રહેવા સુચના અને ચેતવણી આપવામાં આવી છે.

રવિવારે મધરાતથી રાજકોટ સહિતના વિસ્તારમા વરસાદ પડવાનો શરૂ થયા બાદ સોમવારે પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમા પડેલા મુશળધાર વરસાદ સાથે ટંંકારા તાલુકામા પણ ચાર ઈંચ વરસાદ પડયો હોવાથી તાલુકાનો મિતાણા ખાતે આવેલ ડેમી-1 ડેમમા પાણીની પુષ્કળ આવક શરૂ થઈ છે. આ સાથે સિઝનનો કુલ વરસાદ 21 ઇંચ પર પહોંચી ગયો છે. હાલ સોમવારે સાંજ સુધીમા ડેમી-1 ડેમની મૂળ ઉંડાઈ ૨૩ ફુટ છે. પરંતુ હાલ કેપેસિટી 20 ફુટ ની હોય તેમા 16 ફુટ એટલે કે 72 ટકા પાણી ભરાઈ ગયુ છે. હાલ પણ વરસાદ પડી રહ્યો હોવાથી ડેમ ઓવરફ્લો થવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા ડેમની નિચાણવાળા ગામડાઓ મિતાણા, ટંકારા, ભૂતકોટડા, ધ્રુવનગર, હરીપર, રાજાવડ સહિતના ગામડાના લોકોને નદી નાળા સહિતના પાણી ભરાતા વિસ્તારોમા અવર જવર નહિ કરવા અને સાવચેત રહેવા ચેતવણી સાથે સૂચના આપવામાં આવી છે. તાલુકાના અન્ય બંગાવડી ડેમમા પણ ગામડામા પડેલા અનરાધાર વરસાદથી 80 ટકા ભરાઈ ગયુ છે. બંગાવડી ડેમ પણ ઓવરફ્લો થવાની સંભાવના રહેલી છે.

સખપર ગામે માતાજીનો તાવો કરવા ગયેલા છ વ્યક્તિ ફસાયા
ટંકારા તાલુકામા સોમવારે બપોર બાદ ભારે વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય પંથકમા પડેલા અનરાધાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સખપર ગામે આવેલા મેલડી માતાજીના મંદિરે વાંકાનેર અને થાન તરફથી તાવો કરવા ગામડાના અમુક ભાવિકો સાથે પહોંચ્યા હતા. પરંતુ વરસાદથી મંદિર ફરતે પાણી આવી જતા છ લોકો ફસાયા હતા. બનાવની જાણ ટંંકારા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમ પર થતા ખુદ મામલતદાર પોલીસ અને બચાવ ટુકડી સાથે ગામડે દોડી જઈ પાણીમાં ફસાયેલા લોકોને સહી સલામત બહાર કાઢયા હતા. મામલતદાર નરેન્દ્રભાઈ શુકલ ખુદ પોલીસ અને બચાવ ટુકડી સાથે સખપર ગામે દોડી ગયા હતા. અને ફસાયેલા તમામને સલામત મંદિરેથી ગામડા વચ્ચેના માર્ગના પાણીમાથી રેસ્કયુ કરી બચાવી બહાર કાઢી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...