રાજકારણ:ટંકારા તાલુકા કોંગ્રેસની કારોબારીમાં પ્રજાના કામ માટે લડત આપવા નિર્ધાર

ટંકારા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી અધૂરા કામ સરકારને યાદ કરાવવાનો ઠરાવ પસાર

ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક તાલુકા પ્રમુખ ભુપતભાઈ ગોધાણીના અધ્યક્ષસ્થાને હાઈવે કાંઠે આવેલા રામદેવપીર મંદિરે મળી હતી. જેમા પક્ષના નિરીક્ષક, જિલ્લા પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય, અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમા લોક ઉપયોગી કામો કરવાની માંગણી કરતા ઠરાવો પસાર કરી લોક પ્રશ્ને લડત કરવા ખાંડા ખખડાવ્યા હતા.

રાજકોટ હાઈવે પર આવેલા રામદેવપીર મંદિરે કોંગ્રેસી કાર્યકરોની ઉપસ્થિતિમા કારોબારી બેઠક મળી હતી. જેમાં તાલુકાની પ્રજાને ઉપયોગી-સ્પર્શતા અનેક મુદ્દાઓની છણાવટથી ચર્ચા કરી સરકાર સમક્ષ માગણી કરતા ઠરાવો પસાર કરાયા હતા. જેમા, વર્ષ 2017માં થયેલી અતિવૃષ્ટિથી ચેકડેમ, તળાવો, નદી ઉપરના નાળા પુલિયા તુટી પડ્યા બાદ 4-4 વર્ષ વિતવા છતા રીપેર કરાયા ન હોવાથી ખેતીને નુકસાન થઈ રહ્યુ હોય મરામત કરવાની માગણી કરવામા આવી હતી.

અઢી દાયકા પૂર્વે બનેલા ટંકારામાં અનેક અસુવિધાઓ હોય જેમા, તાલુકા મથકે પાણી પુરવઠા કચેરી હજુ મળી નથી તે સુવિધા મળવા અને ફાયર બ્રિગેડ કચેરી કાર્યરત કરવા, મામલતદાર ઓફીસને સંપૂર્ણ સુવિધા સાથે નવિનીકરણ કરવાની માગણી કરાઇ હતી. સિવિલમાં પુરતુ મહેકમ, એમડી ડોક્ટર, તાલુકા પંચાયત મહેકમ કાયમી સ્ટ્રેન્થ પ્રમાણે ભરાતુ ન હોય પૂર્ણ કરવા ગ્રામ પંચાયતમા તલાટી નિમવા, તાલુકા મથકે બાગ બગીચા, રમત ગમત મેદાન, પુસ્તકાલય સુવિધાઓ આપવાના મુદ્દે માગણી કરતા ઠરાવો પસાર કરી માંગ કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...