રજૂઆત:આગોતરા વાવેતર માટે ‘સૌની’ના નીર ડેમી ડેમ 2-3માં ઠાલવવા માંગ

ટંકારા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહક સુરક્ષા મંડળે પિયતનું પાણી ઠાલવવા રજૂઆત કરી

ચોમાસાની મૌસમ શરૂ થતા ખેડુતોએ વરૂણદેવ પર વિશ્વાસ રાખી પોતાના ખેતર ખેડી વાવણીની શરૂઆત કરી દીધી છે. પરંતુ વાવણી બાદ મેઘરાજા હજુ મન મુકી વરસ્યા ન હોય કુવા તથા સિંચાઇ માટે પાણી ન હોવાથી આગોતરૂ વાવેતર નિષ્ફળ જવાની ભીતી સાથે જગનો તાત ચિંતીત બન્યો છે. ત્યારે સિંચાઇ માટે સૌની યોજનાના નીર ડેમી-૨ તથા ડેમી-૩માં ઠાલવવા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે તંત્રને લેખિત રજૂઆત કરી ખેડુત અને ખેતીના હિતમા નિર્ણય કરવા માટે માંગણી કરી છે.

ટંકારા પંથકમા હજુ વાવણીલાયક વરસાદ થયો નથી. પરંતુ મોટા ભાગના ખેડુતોએ આગોતરા ખેતરો ખેડી વાવણી કરી દીધી છે. પરંતુ વાવણી બાદ મેઘરાજ હજુ મન મુકી હેત વરસાવતા ન હોય ઉપરાંત કુવા તથા સિંચાઈ માટે પાણી ન હોવાથી આગોતરી વાવણી નિષ્ફળ જવાની ભીતીથી જગના તાત ચિંતીત બન્યા છે. ખેડુતોની ચિંતાને વાચા આપવા ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજાએ સિંચાઈ તંત્ર તથા જિલ્લા કલેકટરને ખેડુતોની વેદના ઠાલવતો લેખિત પત્ર પાઠવી સૌની યોજના થકી હાલ જયા પાણી પહોંચે છે. તે વિસ્તારના ખેડૂતોને વરસાદ ખેંચાવાની ચિંતા નથી.

સિંચાઈ માટે યોજના લાભકારી છે. તે રીતે સૌની યોજનાનો લાભ ટંકારા પંથકના દરેક ગામડાના ખેડુતોને મળે તે માટે ડેમી-૨ તથા ડેમી-૩ ડેમમા સૌની યોજનાના નીર ઠાલવવામા આવે તો યોજનાના નામ પ્રમાણે સૌ ને લાભ મળવાની માંગણી કરી ડેમી-૨ પ્રવીણસાગર હેઠળ ચાંચાપર, કોયલી ઉપરાંત, ડેમી-૩ હેઠળ લજાઈ, વિરપર, રાજપર, પંચાસર, નાની વાવડી, બગથળા સુધી પિયતનુ પાણી પહોંચી શકે છે. અગાઉ પણ બગથળા સહિત છેવાડા સુધી પાણી પહોંચાડી લાભ આપ્યો હતો ત્યારે ફરી  સિંચાઈનુ પાણી છોડવા માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...