આક્ષેપ:ટંકારાને ટોળ તેમજ અમરાપરને જોડતા માર્ગના કામ શરૂ થવામાં અગણિત વિઘ્નો

ટંકારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની આળસુવૃત્તિ ગામડાંને સંપર્ક વિહોણા કરવાની હોવાનો શાસક પક્ષના પદાધિકારીનો આક્ષેપ

ટંકારા તાલુકા મથકથી ટોળ-અમરાપરને જોડતા મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષથી સાવ ભાંગીને અતિ બિસ્માર હાલતમા હોવાથી રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે ગામડાને તાલુકા સાથે જોડતા મુખ્ય માર્ગને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના-૩ (બીજો તબક્કો) હેઠળ સમાવીને ગત તા. ૧૩ મી જાન્યુઆરીએ મૂળ માર્ગ ૩.૭૫ મીટર માથી ૫.૫૦ મીટર પહોળો કરવા માટે રૂ. ૬૦૮.૬૪ લાખના અંદાજીત ખર્ચે કામ મંજુર કર્યું છે.તેમ છતા પાંચ માસ વિત્યા બાદ પણ કામ શરૂ થયુ નથી. માથે ચોમાસુ મંડરાઈ રહ્યુ છે.‌હાલ રોડની દશા એવી છે કે અહીં પસાર થતા વાહન ચાલકો ઉબડ ખાબડ રસ્તાથી છાશવારે ખાબકી હાડકા ભાંગે છે.

ગામડામાં દર્દીને ઈમરજન્સી સારવાર માટે લઈ જવાની નોબત આવે તો માર્ગ મા જ દમ તોડી દે એવી રોડની અવદશાની અનેક રજૂઆતો પણ ગામડા માંથી ઉઠતી રહી છે. તાબડતોબ કામ શરૂ ન થાય તો ચોમાસામા ગામડા સંપર્ક વિહોણા થવાની ભિતી સાથે ખુદ શાસક પક્ષના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયાએ ટોળ અમરાપર ગામડાને ચોમાસામા ટાપુમા ફેરવાય એ પૂર્વે તંત્રનુ પુંછડુ આમળ્યું હતુ. ફાંગલીયાએ સરકારના મંજુર થયેલ કામો પણ ટલે ચડાવનાર તંત્ર કાન દેતુ ન હોવાનો વસવસો વ્યકત કર્યો હતો. જોકે, આ અંગે માર્ગ મકાન પંચાયતના કાર્ય પાલક ઈજનેર અજીત ચૌધરીનો વારંવાર સંપર્ક કરવા છતા મોબાઈલ રીસીવ થયો ન હોતો.

અન્ય સમાચારો પણ છે...