મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મ ભૂમિ ટંકારાને વેદમયી બનાવવા માટે શેરી – ગલીઓની દિવાલો ઉપર વૈદિક મંત્રો અને મંત્રોના અર્થથી સુશોભિત કરી ખરેખર આર્યનગરીમા પરિવર્તિત કરવા માટે ઉતરપ્રદેશ થી બે આર્ય વીરો ખાસ વૈદિક પ્રચાર પ્રસારનો વ્યાપ વધારવાના હેતુ સાથે અહીં આવ્યા છે.ઋષિ દયાનંદના વેદ તરફ પાછા વળો સુત્રને સાકાર કરવા પરપ્રાંતના આર્યસમાજના બંને સ્વયંસેવકો વેદ આર્ય ધર્મ થકી જીવનમા સત્ય, લક્ષ્ય, સેવા-સહકારના માનવીના મનમા ઉઠતા અનેક માર્મિક સવાલોના જવાબો દિવાલ પર ઉકેલાય એવુ નિરૂપણ કરતા ભીંત ચિત્રણ કરી રહ્યા છે.
વૈચારિક ક્રાંતિના જનક, મહાન સમાજ સુધારક, સત્યાર્થ પ્રકાશ પુસ્તકના સર્જક, ‘વેદ તરફ વળો’નું સુત્ર આપી આર્ય સમાજની સ્થાપના કરનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમી ટંકારામાં ઉતર પ્રદેશના બદાયુના બે આર્યવીરો પ્રણવ શાસ્ત્રી તથા ત્રિદેવ શાસ્ત્રી હાલ ટંકારા વૈદિક ધર્મના પ્રચાર અને પ્રસાર નો વ્યાપ વધારવાના ખાસ હેતુ સાથે અહીં આવી પહોંચ્યા છે. અહી આવેલા બંને સ્વયંસેવકો ઋષિ નગરીની શેરી-ગલીઓ અને મુખ્ય બજારની દિવાલો પર વેદમંત્રો, ઋચાઓ, જીવનના ગાઢ રહસ્યો અને તેના અર્થ લખી આર્ય નગરીની ઝાંખી કરાવી રહ્યા છે.
સમાજના દરેક વ્યક્તિ વૈદિક ધર્મને સમજી તેનામાં આર્ય ધર્મ પ્રત્યે જાગૃતિ આવે એટલે ભાવાર્થવાળા મંત્રો દિવાલ ઉપર લખાણ લખી ઋષિ દયાનંદ નુ ઋણ અદા કરવા આવ્યા હોવાનું બન્ને આર્યવીર શાસ્ત્રી જણાવી રહ્યા છે.બંને આર્ય વિરોએ વર્ષ ૨૦૧૨ થી સત્યાર્થ પ્રકાશ પઠન કર્યા બાદ તેનાથી પ્રેરાઈને વૈદિક પ્રચાર પ્રસાર અભિયાન ઝુંબેશ આદરી છે.અહીં ચારેય વેદના વેદમંત્રોનુ ગુજરાતી ભાષ્ય કરનાર વાનપ્રસ્થી દયાલમુની આર્યના આશીર્વાદ મેળવી કાર્ય નો પ્રારંભ કર્યો છે.
વેદ ધર્મની આહલેક જગાવવા આવી પહોચેલા આર્ય સૈનિકો ને સ્થાનિક આર્યસમાજના મંત્રી દેવજી ભાઈ પડસુંબિયા તથા વેદના અભ્યાસુ યોગેશભાઈ કાલાવડીયા, આર્ય સમાજના શાસ્ત્રી સુવાસ પંડિત સહિતનાઓ સહકાર આપી રહ્યા છે. અહીં સતત આઠ દિવસ દિવાલો સુશોભિત કર્યા બાદ રાજકોટ અને ગાંધીધામ ખાતે જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.