દેશના PM કોણ?:જિલ્લા પંચાયતના પ્રમુખે ભાંગરો વાટ્યો- પહેલી ડિસેમ્બરે આપણે સૌએ "વડાપ્રધાન પ્રકાશ વરમોરાના સમર્થનમાં" મતદાન કરવાનું છે

મોરબી10 દિવસ પહેલા

ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું પ્રચાર અભિયાન વેગ પકડતું જાય છે. ત્યારે બુધવારે હળવદ ખાતે ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના CM યોગી અદિત્યનાથે જાહેરસભા સંબોધી હતી. તેમના આગમન પૂર્વે રાજકીય આગેવાનો સભાને સંબોધી રહ્યા હતા. ત્યારે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ PMના નામમાં લોચો માર્યો હતો. તેમણે જાહેરસભામાં એવું કહ્યું હતું કે 'આપણા વડાપ્રધાન પ્રકાશ વરમોરાના સમર્થનમાં મતદાન કરવાનું છે,' આ સાંભળીને સ્થળ ઉપસ્થિત સર્વે લોકોના ચહેરા પર હળવું હાસ્ય ફરી વળ્યું હતું અને લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે શું જિલ્લા પંચાયતના પ્રમુખને એટલી પણ ખબર નથી કે ભારતના વડાપ્રધાન કોણ છે?

જિલ્લા પંચાયતના પ્રમુખે શું કહ્યું હતું!
તમામે તમામ સમાજના લોકોને સાંકળીને ચાલનારો પક્ષ ભાજપ છે. અત્યારે આપણા બધાએ પહેલી તારીખે મતદાન કરવાનું છે. ત્યારે આપણા માનનીય વડાપ્રધાન પ્રકાશભાઈ વરમોરા આપણને.. બધાને કદાચ ખબર નહીં હોય, પણ છેલ્લાં દસ વર્ષથી તેમની સેવાકીય પ્રવૃત્તિ રહી છે. પ્રકાશભાઈનું કદાચ આપણને બધાને ખ્યાલ નહીં હોય, તેઓ ત્રણ હજાર કરોડની કંપની ધરાવતી વ્યક્તિ આપણી વચ્ચે આ હળવદ અને ધ્રાંગધ્રાનો વિકાસ કરવાનો જે તેમને વિચાર સ્ફૂર્યો છે, જેઓ છેલ્લાં દસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે, આવા સંતગણો વચ્ચે બેઠેલા છે. ત્યારે તેમના ગુરુએ કહ્યું કે પ્રકાશ, તું આ સેવાપ્રવૃત્તિ તો કરે છે, પણ આ સેવાપ્રવૃત્તિ વિશાળ ફલક પર લઈ જવી હોય તો, તારે જાહેર જીવનમાં જવું જોઈએ. આવો જાણીએ પ્રકાશ વરમોરાની સંપત્તિ ગ્રાફિક્સના માધ્યમથી...

ભાજપ તમામ સમાજને સાથે રાખીને ચાલનારો પક્ષ છે
બુધવારે હળવદ ખાતે યોજાયેલી સભામાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ એવું જણાવ્યું હતું કે ભાજપ તમામ સમાજને સાથે રાખીને ચાલનારો પક્ષ છે. ત્યારે આગામી પહેલી ડિસેમ્બરના રોજ આપણે સૌએ વડાપ્રધાન પ્રકાશ વરમોરાના સમર્થનમાં મતદાન કરવાનું છે

ભાજપના જ નેતાઓને દેશના PM કોણ છે એ ખબર નથી
તેમના આ શબ્દો સાંભળીને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે અને નેટિઝન્સ એક જ વાત કરી રહ્યા છે કે સભામાં સ્પીચ આપતાં પહેલાં તેની પ્રેક્ટિસ કરવી અનિવાર્ય છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો બાદ ઘણા લોકોએ એવી પણ પ્રતિક્રિયા આપી હતી કે ભાજપના જ નેતાઓને દેશના વડાપ્રધાન કોણ છે એ જ ખબર નથી, વિકાસ ફુલ ફોર્મમાં ગાંડો થયો છે. તો ઘણાએ એવું પણ કહ્યું હતું કે આવા અપૂરતા જ્ઞાનને કારણે કોઈપણ વ્યક્તિ ગમે તે ઘડીએ વડાપ્રધાન બની શકે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...