મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા પાસે એસ.ઓ.જી. પોલીસે દેશી તમંચા સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મોરબીના કુબેરનગરના રહેણાંક મકાનમાંથી એક યુવક ચાઈનીઝ દોરીની 85 ફિરકી સાથે મળી આવ્યો હતો. જેને પગલે મોરબી એલ.સી.બી. પોલીસે તેની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દેશી હાથ બનાવટનો તમંચો જપ્ત
મોરબી એસ.ઓ.જી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ પર ટીંબડી ગામના પાટીયા પાસે દિલીપ કાનજી પ્રજાપતિ ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો છે. તેવી બાતમીને આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડતા આરોપી દિલીપ ઉર્ફે ટકો મળી આવ્યો હતો. જેથી પોલીસ તેની તલાશી લેતા તેની પાસેથી 5 હજાર રૂપિયાની કિંમતનો દેશી બનાવટના તમંચો મળી આવ્યો હતો. એસ.ઓ.જી. પોલીસે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
85 ફિરકી સાથે એકની ધરપકડ
મોરબી એલ.સી.બી.પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, રોયલપાર્ક, કુબેરનગર પાસે રહેણાંક મકાનમાં આરોપી પ્રથમ મનસુખ કેલા તેના બે સાગરીતો કૃણાલ બટુકભાઇ પિત્રોડા અને વિશાલ મહાદેવભાઇ કાચરોલા સાથે પ્રતિબંધીત ચાઇનીઝ ફિરકીનો જથ્થાનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં આરોપી પ્રથમભાઈ કેલા પ્રતિબંધિત ફિરકીનું વેચાણ કરતાં મળી આવ્યો હતો. જેથી પોલીસે ફિરકીની ચકાસણી કરતાં તેમાં રૂપિયા 17 હજારની કિંમતની 85 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની ફિરકી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે ફિરકીનો તમામ મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી પ્રથમ કેલાને ઝડપી પાડવામાં આવ્યો હતો, તો આરોપી કૃણાલ પિત્રોડા અને વિશાલ કાચરોલા હાજર ના મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.