ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં:રૂપાલા બોલ્યા- 'ઈગ્લેન્ડની સાઈડ કાપીને મોદીજીએ કિધું વાંહે રે ભુરિયાં'; અનુરાગે કહ્યું- 'જનતાએ દેશ વેચનારને નહીં, ચા વેચનારને પસંદ કર્યા'

ઉના3 મહિનો પહેલા

ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો ચૂંટણી જીતવા એડિંચોટીનું જોર લગાવી રહી છે. દરેક પક્ષ મતદારોને રીઝવવા ઉમેદવારો પક્ષના સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે, ત્યારે ભાજપે પણ પોતાના દિગ્ગજ નેતાઓને ગુજરાતના રણ મેદાનમાં ઉતારી દીધા છે. જ્યા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, અનુરાગ ઠાકુર, નરેન્દ્રસિંહ તોમર, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.ન્ડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ જાહેરસભા સંબોધી ગુજરાતને ગુંજવી રહ્યાં છે. ત્યારે ગુજરાતની આ ચૂંટણીમાં ભાજપનો ડંકો વગાડવામાં ગુજરાતના આ સ્ટાર પ્રચારકો કેટલું યોગદાન આપશે તે જોવું રહ્યું.

ગુજરાત જાણે છે કે મોદી કલ્પવૃક્ષ છે- શિવરાજસિંહ ચૌહાણ
મધ્યપ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અબડાસામાં સભા સંબોધતા કહ્યું કે, ભાજપે કચ્છના વિકાસમાં કોઈ કસર નથી છોડી. બધીજ જગ્યાએ નર્મદાજીનું પાણી આવે છે. બધી જ દિશાઓમાં વિકાસ થયું છે. એટલે જનતા વિકાસની સાથે છે, ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને નરેન્દ્ર મોદીની સાથે છે. વધુમાં એમણે કોંગ્રેસ અને કેજરીવાલ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તેઓ ખાલી રંગીન સપનાઓ બતાવવાની કોશીશ કરે છે. પણ દેશ અને ગુજરાત જાણે છે કે મોદીજી કલ્પવૃક્ષ છે. મોદી હે તો મુમુકીન હે. જે જરૂરી છે એ મોદીજી દેશને આપે છે અને ગુજરાતને પણ આપે છે. પણ કેજરીવાલ તો બબુલના વૃક્ષ મુજબ કાંટા જ આપશે.

કોંગ્રેસે ખાલી નહેરુ ખાનદાનને મહામાન મંડીત કરવાની કોશીશ કરી છે
રાહુલ બાબા ખરપત બાર હે, વિકાસ એમના હાથની વાત નથી. વિકાસ ફક્ત ભાજપની સાથે છે મોદીની સાથે છે. રાહુલ ગાંધી જે પ્રકારની વાતો કરે છે વિર સાવરકનું અપમાન દેશ ક્યારેય સહન નહી કરે. બે બે કાળા પાણીની સજા, ભાઈ પણ જેલમાં, 10 વર્ષથી કાળકોઠરીમાં સજા ભોગવી રહ્યાં છે એ તો ખબર જ ના પડી. કોંગ્રેસે ખાલી નહેરુ ખાનદાનને મહામાન મંડીત કરવાની કોશીશ કરી છે. શ્યામજીકૃષ્ણ વર્મા, સરદાર વલ્લભભાઈ પટેલ જેવાઓને ક્યારેય પણ યાદ નથી કર્યા. યોગદાન યાદ નહી કરશો તો ચાલશે, પણ સ્વતંત્ર વિરનું અપમાન ન કરો એ દેશની જનતા ક્યારેય સહન નહીં કરે.

પ્રથમવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ ફક્ત મોદી જ લાવ્યા છે
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.ન્ડ્ડાએ પ્રજાને સંબોધતા કહ્યું કે, સંસ્કાર નગરીમાં આવવાનો સૌભાગ્ય, પુણ્ય ભૂમિને નમન કરવાનો સૌભાગ્ય મને મળ્યો છે. ત્યારબાદ તેમણે વિકાસની વાત કરતાં જણાવ્યું કે, વિકાસની દ્રષ્ટિથી ગુજરાતે દેશ નહીં પણ દુનિયામાં સ્થાન સ્થાપિત કર્યું છે અને તેમાં પણ ગુજરાતના વિકાસની વાત કરીએ તો, જે પણ પક્ષો આવ્યા એમણે વોટબેન્કની રાજનીતિ કરી, પરતું દેશમાં ભાજપા છે, જેણે મોદીજીના નેતૃત્વમાં સબકા સાથ, સબકા વિશ્વાસની વાતો કરી અને ગુજરાતનો વિકાસ કર્યો. આદિવાસી ભાઈઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જે કર્યું એ આજ દિન સુધી કોઈ સરકારે નથી કર્યુ. ભારતના રાષ્ટ્રપતિ આદિવાસી હોય એવું વિચાર કેમ ન કોઈને ન આવ્યો કેમકે એમના વિચારો નીચા હતા. જ્યારે પ્રથમવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ ફક્ત મોદી જ લાવ્યા છે.

સરકારની યોજના પર મહોર મારવા આવ્યો છું
વધુમાં તેમણે જણાવ્યું કે, હું ફક્ત મત માંગવા નથી આવ્યો, સરકારની યોજના પર મહોર મારવા આવ્યો છું. 100 વર્ષો પૂર્વે મહામારી આવી ત્યારે સૌથી વધુ લોકો ભૂખમરાથી મર્યા હતા, આ વખતે સરકારે ગરીબ કલ્યાણ યોજનામાં મફત અનાજ આપ્યું છે. કોંગ્રેસના નેતા ભારત જોડવા નીકળ્યા છે અને એમના કાર્યકર્તા તોડવાની વાત કરી રહ્યાં છે.

જીતની સિક્સ મારવાની છે અને જંગી બહુમતી સાથે જીતવાનું છે
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે તાપીમાં સભા સંબોધતા કહ્યું કે, ગાંધીથી લઈ સરદાર અને નરેન્દ્ર મોદી આપ્યા એવી પવિત્ર ભૂમિને વંદન કરું છું. તમે લોકોએ પાંચ વખત ગણપતસિંહ વસાવાને જીતાડ્યા છે. ત્યારે આ વખતે ફરી ગણપતસિંહ વસાવા માટે જીતની સિક્સ મારવાની છે અને જંગી બહુમતી સાથે જીતાડવાના છે. ગુજરાતની જનતાએ ભાજપને જીતાડી છે અને દેશમાં નરેન્દ્ર મોદીની અને ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકાર કામ કરી છે. તમને ખબર હશે કે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરી હતી. જ્યારે કોરોના કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે નરેન્દ્ર મોદીએ દરેકને મફત વેક્સીન આપી છે. મહામારી તેમજ ભૂખથી દેશને નરેન્દ્ર મોદીએ બચાવ્યો છે. આ માણસ એક દિવસની પણ રજા લીધી નથી. એમનો એકજ સિદ્ધાંત છે, ગુજરાતનો વિકાસ મતલબ ભારતનો વિકાસ. ગુજરાત જીતશે તો ભારત સો ટકા જીતશે. દેશનો સૌથી મોટો ડેમ નરેન્દ્ર મોદીજીએ બનાવ્યો છે. સૌથી મોટી સરદારની મૂર્તિ એકતા નગરમાં મોદીજીએ બનાવી છે. 2014ના મુકાબલે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે. 24 કલાક વીજળી આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. આજે કાશ્મીરમાં ઘરે ઘરે તિરંગો લહેરાય છે

બારડોલી વિધાનસભાના ભાજપના ઉમેદવાર માટે કેન્દ્રના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરની જાહેરસભાનું આયોજન કરાયું હતું. અનુરાગ ઠાકુરે બારડોલી વિધાનસભા માટે ઈશ્વર પરમારનો પ્રચાર કર્યો હતો. સાથે જ જાહેર સભામાં કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા..

મોદીજીની દેશભક્તિ અને ઈમાનદારી પર કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકે- અનુરાગ
વધુમાં કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસે આદિવાસીઓને યાદ નથી કર્યા પંરતુ મોદીજીએ યાદ કર્યા છે. એટલું જ નહીં મોદીજી એ ગુજરાતના ઓલિમ્પિક રમત વિરોને પણ યાદ કર્યા છે. કોંગ્રેસે કહ્યું હતું મોદીજી ચા વેચવાવાળો છે, પંરતુ દેશની જનતાએ દેશ વેચનારને નહિ પણ ચા વેચનારને જ પસંદ કર્યા છે. મોદીજીની દેશભક્તિ અને ઈમાનદારી પર કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકે. આપણો દેશ દંગા મુક્ત બને ત્યારેજ ખરા અર્થમાં વિકાસ થયો કહેવાય અને શાંતિ ત્યારેજ બને જ્યારે ભાજપનું બટન દબાવશો. આ વખતે પણ 150થી વધુ સીટ જીતવી જોઈએ અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં એવી જીત હોવી જોઈએ કે 2024ની જીત બ્યુગલ ફૂંકાઈ જવું જોઇએ. કેન્દ્રીયમાં મોટા ભાગના મંત્રીઓ ગુજરાતમાંથી આવે છે.

ઉનામાં ભાજપના ઉમેદવાર કે.સી.રાઠોડના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી. હંમેશાની જેમ રૂપાલાએ ઉનામાં પણ પોતાના આગવા અંદાજમાં ભાષણ કર્યુ હતું. પુરૂષોત્તમ રૂપાલાએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર પ્રહાર કરતા કહ્યું, અમે રાજ્યસભામાં ચીસો પાડી પાડીને નર્મદા માટે રજૂઆત કરતા હતા, સાંભળે જ નહીં. વગર માઈકે એમના કાનમાં ધાક પડેને એવી ચીસો પાડી હતી. શું કહું તમને એ માણસની રેખા પણ ના બદલે, દાંતે ના કાઢે અને ખીજાય પણ નહીં. તો મને એમ થાય કે, હું રાજસભામાં છું કે બારે છું. પછી ખબર પડે આપણે તો અહીં જ છિએ પણ આ હજ્જડબમ છે.

'ઈગ્લેન્ડની સાઈડ કાપીને મોદીજીએ કિધું વાંહે રે ભુરયાં'
આપણે GDP ગ્રોથ રેટમાં ગયા ​​​​​​વર્ષે 6 નંબર પર હતા અને પાંચ નંબર પર આવ્યા. આપણી પહેલા પાંચમાં નંબરે ઈંગલેન્ડ હતું કે જેને 150 વર્ષ ભારત પર રાજ કર્યુ. તેની સાઈડ કાપીને મોદીએ કિધું વાંહે રે ભુરિયાં અમે પાંચમાં નંબરે પર.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે-ભારત જોડો યાત્રા નહીં, વિપક્ષને જોડવાની યાત્રા છે
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહુવામાં સભા સંબોધતા કહ્યું કે, આ ભારત જોડો યાત્રા નહીં, વિપક્ષને જોડવાની યાત્રા છે. પહેલીવાર ભારત એક વ્યક્તિ સાથે મજબૂતાઈથી ઉભો છે. પહેલા યોજનાઓ તો ગરીબોના નામે બનતી હતી, પણ રૂપિયા તો નેતાઓ પાસે જ જતા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, માદી સરકારના નેતૃત્વ હેઠળ આરોગ્ય અને શિક્ષણમાં સારામાં સારું કામ થયું છે. નરેન્દ્ર મોદીના રાજમાં લોકોને મકાન મળ્યા તેમજ ગેસના કનેક્શન પણ મળ્યાં છે. રાહુલ ગાંધી પોતાના દાદા-પરદાદા સિવાય કોઈનું પણ નથી માનતા

દરેક જિલ્લામાં વિકાસ કાર્યો થયા છેઃ ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભાજપ લોકોની વચ્ચે રહી કામગીરી કરવામાં માને છે. તેથી જ લોકોને ભાજપ પર ભરોસો છે. વિકાસની રાજનિતીના પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા ખેડૂતોને કેન્દ્રીય સ્થાને રાખ્યા છે. ખેડૂતો માટે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીએ પૂરી તૈયારી દર્શાવી છે અને ખેડૂતોને મદદરૂપ થવા તત્પર રહી છે. ભારતીય જનતા પાર્ટી પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા હંમેશા અગ્રેસર રહી છે. પહેલા જ્યારે પાણીની કપરી પરિસ્થિતિ હતી ત્યારે ટ્રેન દ્વારા પાણી મોકલાતું હતું ટેન્કરો દ્વારા પાણી મોકલાતું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોના ઘર સુધી પાણી પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રની પાણી સમસ્યાને જાકારો મળ્યો છે. ઘર-ઘર પાણી પહોંચ્યું છે. તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યવસ્થા કરી છે. દરેક જિલ્લામાં વિકાસ કાર્યો થયા છે.

ગુજરાત લોખંડી પુરુષ સરદાર પટેલની ભૂમિ છે- યોગી આદિત્યનાથ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોરબીના વાંકાનેરમાં સભા સંબોધતા કહ્યું કે, ગુજરાત લોખંડી પુરુષ સરદાર પટેલની ભૂમિ છે. સરદાર પટેલે દેશમાં એકતાનો સંદેશ આપ્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં વિકાસના અનેક કાર્યો, કાર્યક્રમો થયા છે અને થશે. અનેક લોકોને મફતમાં સારવાર મળી છે, મફતમાં રસી પણ આપવામાં આવી છે. કોરોના સમયે કેન્દ્ર સરકારે સારામાં સારી વ્યવસ્થા કરી હતી. ગરીબ લોકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનું મોડલ તૈયાર કર્યું છે. મોરબીમાં ઝૂલતા પુલની ધટનામાં જેના મૃત્યુ થયા એને શ્રદ્ધાંજલિ પાઠવી અને આખો દેશ આ ઘટનામાં મોરબી સાથે ઊભો રહ્યો હતો.

જીતુ સોમાણી અને મોરબીથી કાંતિ અમૃતિયાને વિજેતા બનાવજો
યોગીએ કાંતિ અમૃતિયા વિશે પણ કહ્યું કે, મોરબી દુર્ઘટનામાં કાંતિભાઈ અમૃતિયા સહિતના કાર્યકરોએ લોકોને બચાવવા મદદરૂપ બન્યા હતા. મોરબી સામે અનેક ચુનોતી આવી છતાં મોરબી ઉભુ થયુ છે. કેમ કે મોદી હે તો મુમુકીન હે. હું તમને અપીલ કરૂં છું કે વાંકાનેરથી જીતુભાઈ સોમાણી અને મોરબીથી કાંતિભાઈ અમૃતિયાને વિજેતા બનાવજો. વધુમાં કોંગ્રેસને નિશાન બનાવતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસ આસ્થાનું સન્માન પણ નથી કરી શકતી, કે દેશની સુરક્ષા પણ નથી કરી શકતી.

અન્ય સમાચારો પણ છે...