તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી અધૂરી:મોરબીમાં પ્રી-મોન્સૂન કામના 18 દિવસ છતાં વોંકળા સફાઇ અધૂરી

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23 મેથી પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરાઇ જે 22 જૂન સુધી ચાલશે તેના માટે 58 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો મોરબી નગરપાલિકાનો અંદાજ

મોરબી શહેરમાં દર વર્ષે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે મસ મોટા દાવા કરવામાં આવે છે. પણ જો 24 કલાક દરમિયાન 5 ઇંચ કે તેથી વધુ વરસાદ થાય તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમુક વિસ્તારમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં તો 2થી 5 ઇંચ વરસાદમાં સ્થાનિકોની સ્થિતી કફોડી બની જતી હોય છે. પાલિકા દ્વારા આ વર્ષે પણ 23 મે થી પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી છે જે એક મહિના સુધી એટલે કે 22 જૂન સુધી ચાલવાની છે અને આ માટે 58 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. અને તેના માટે અલગ અલગ એજન્સીઓને પણ કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો છે. પ્રી મોન્સૂન કામગીરી શરૂ થયાને 18 દિવસ કરતા વધુ સમય થઈ ચૂક્યો છે. જો કે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે નક્કી કરાયેલા વિસ્તારમાં 50 ટકા કરતા ઓછી કામગીરી દેખાઈ રહી છે. તો ચોમાસુ પણ ગણતરીના દિવસોમાં દસ્તક દે તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે પાલિકા બાકીની કામગીરી પૂર્ણ નહિ કરે તો શહેરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાતા કોઈ અટકાવી શકશે નહીં.

જર્જરિત ઇમારત દૂર કરાય તે જરૂરી
શહેરમાં જોખમી ઇમારતો પણ હજુ જેમને તેમ ઉભી છે. આ ઇમારતો વહેલી તકે દૂર કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત હાલ અનેક વિસ્તારોમાં ચોમાસા પહેલા સ્ટ્રીટ લાઈટ બંધ છે ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો પર ભુગર્ભ ગટરના ઢાકણા તૂટેલા છે. તેમજ ઘણા વિસ્તારમાં ખાડા પણ જોવા મળી રહ્યા છે. જેમાં વરસાદી પાણી ભરાશે તો વાહન ચાલક અકસ્માતનો ભોગ બની શકે.

મુખ્ય 11 નાળામાંથી 6માં સફાઇ પૂર્ણ, 5 સાફ કરવાના બાકી
વોર્ડ વિસ્તારમાં ભુગર્ભ ગટરની સફાઈ કામગીરી હજુ બાકી છે. ઉપરાંત વોંકળા, બુગદા અને નાનાં નાલાઓની હજુ પૂર્ણ સફાઈ થઈ નથી. પાલિકા વાવડી રોડથી ધુતારી નાલા સુધી પંચાસર રોડ, રવાપર અવની ચોકડીથી લીલાપર સ્મશાન સુધી, સામા કાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ વિસ્તારમાં, પોસ્ટ ઓફિસથી એલ ઇ કોલેજ થઈ મચ્છુ નદી, સો ઓરડીથી ભઠાવાડી લાઈનથી નઝરબાગ રેલવે સ્ટેશન થી મચ્છુ નદી સુધીના વિસ્તારમાં આવતા કુલ 11 નાલાની સફાઈ કામગીરીનું આયોજન કર્યું હતું. તેમાંથી હજુ 6 વોકળા જ સાફ થયા જ્યારે 5માં સફાઈ કામગીરી ચાલુ છે અથવા હજુ શરૂ જ થઈ નથી.

અનેક સ્થળે પાણી ભરાવાની સમસ્યા
મોરબી શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 27 પર દર વર્ષે ચોમાસામાં મોટા પાયે વરસાદી પાણી ભરાય છે. ખાસ કરીને ઘુંટૂ નજીક ઓવર બ્રિજની બન્ને સાઈડથી લઈ લાલપર ગામ સુધી પાણી ભરાવો થાય છે. વરસાદી પાણી નિકાલ માટે મુકવામાં આવેલ ગટરની પણ સફાઈ ન થવાને કારણે કચરો ભરાયેલો રહેતો હોવાથી વરસાદી પાણી તેમાથી નીકળી શકતું નથી.જેના કારણે અકસ્માત થવાનું જોખમ વધે છે.

ખાસ ટીમની પણ વ્યવસ્થા કરાશે
અમે સતત કોન્ટ્રાક્ટરો અને પાલિકા કર્મચારીઓની સાથે રહીને દિવસ-રાત સુપરવિઝન કરીને પ્રિમોન્સુન કામગીરી કરાવી રહ્યા છીએ. આ વખતે ચોમાસામાં કોઇ સમસ્યા ન રહે તે અમારો હેતુ છે. આ માટે પાલિકા સ્ટાફ ઉપરાંત પણ અમે ટ્રેઈન્ડ માણસોની ટીમ બોલાવી રહ્યા છીએ. અને આ કામગીરી માત્ર પ્રિમોન્સૂન જ નહીં પરંતુ ચાલુ ચોમાસામાં પણ સમસ્યા દેખાય તો કાર્યરત રહીશું. > જયરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ, મોરબી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...